ગુજરાતમાં સાત કરોડ કટ્ટાનો પાક આવવા અંદાજ, નવા બટાટા અઢી રૂપિયે કિલો જથ્થાબંધમાં વેચાય છે !
રાજકોટ, તા.23 (ફૂલછાબ ન્યૂઝ)
: બટાટા ઉગાડતા તમામ રાજ્યોમાં બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ બેસવા લાગતા ભાવમાં ભારે
મંદી થઇ છે. દેશભરમાં જ્યાં પણ વાવેતર થાય છે ત્યાં કુલ વાવણી 7થી 8 ટકા વધારે થઇ હોવાથી
ઉત્પાદનમાં પણ મોટો વધારો તોળાય છે. પરિણામે ગુજરાતમાં નવા બટાટાના ભાવ સાવ તળિયાના
સ્તરે ખૂલ્યાં છે. નવા બટાટા ડિસામાં રૂ. 2.5થી 8માં વેચાય છે. જોકે છૂટક બજારમાં પંદરથી
વીસ રૂપિયા બોલાય છે. બટાટાની મંદીને લીધે કિસાનોને પ્રોત્સાહન આપવા માટે સરકારે વહેલી
તકે આગળ આવવું જોઇએ તેવી માગ ઉઠી છે.
ડિસાના એક અગ્રણી વેપારી બટાટાની
બજારનો તાગ આપતા કહે છેકે, ઉત્તર પ્રદેશમાં વાવેતર 8 ટકા વધારે થયા છે. બંગાળમાં 5
ટકા વધારે છે. ગુજરાતમાં પણ 10 ટકા જેટલો વાવેતર વધારો થયો છે. પાકને અનુકૂળ વાતાવરણ
મળ્યું હોવાને લીધે બટાટાના પાકમાં કોઇ સમસ્યા નથી. પાકનો ઉછેર સારો થયો છે અને ઉતારો-ઉત્પાદન
વધારે રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે પાકમાં ચરમીનો રોગ હતો પણ હાલ એવી કોઇ સ્થિતિ નથી.
ગુજરાતમાં પાછલા વર્ષની તુલનાએ 1 કરોડ કટ્ટા વધારે ઉત્પાદન થઇ શકે છે.
તેમણે ઉમેર્યુ કે ગયા વર્ષમાં
ગુજરાતમાં 6 કરોડ કટ્ટા (50 કિલોનું એક)નું ઉત્પાદન થયું હતુ. નવો પાક સાતેક કરોડ કટ્ટાનો
માનવામાં આવે છે. નવા માલની આવક પણ ડિસામાં શરૂ થઇ ગઇ છે. ડિસામાં નવા બટાટા અઢી રૂપિયાથી
આઠ રૂપિયામાં વેંચાય છે. નવા 3-4 હજાર કટ્ટા ડિસા મંડીમાં આવે છે. નવા બટાટાના ભાવ
અત્યંત નીચાં ખૂલ્યાં હોવાથી ખેડૂતોને વળતરના ફાંફા પડી રહ્યા છે. ખેડૂતની પડતર રૂ.
10-12 જેટલી છે તેની સામે તળિયાનો ભાવ મળે છે.
ગુજરાત ઉપરાંત ઉત્રપ્રદેશ, બંગાળ,
પંજાબ અને મધ્યપ્રદેશમાં પણ પાક ગયા વર્ષની સરખામણીમાં સારો છે એટલે બટાટાના ભાવ ઉંચા
આવવાની શક્યતા ઘટી ગઇ છે. અધૂરામાં પૂરું ઉત્તરપ્રદેશ અને ગુજરાતના કોલ્ડમાંથી હજુ
જૂનાં બટાટા નીકળી રહ્યા છે. જે નવાને દબાણ હેઠળ રાખે છે.
બમ્પર પુરવઠો આવવાની પૂરતી સંભાવનાને
પગલે સરકારે ખેડૂતોને કોઇપણ રીતે સહાય કરવા માટે અત્યારથી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.
અગાઉ ટ્રાન્સપોર્ટ સબસિડી અને ભાવમાં સીધી સબસિડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. બટાટા
માટે સરકારે ભાવાંતર યોજના કે પ્રાઇઝ ઇન્ટરવેન્શન સ્કીમ પણ શરૂ કરવી જોઇએ તેવી માગ
ઉઠી છે.