• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

કૌટુંબિક ભાઈએ કાર નીચે કચડી યુવાનની હત્યા કરી

ધ્રાંગધ્રાના જીવા ગામની ઘટના : રહસ્યમય અકસ્માતનો બનાવ હત્યામાં પલટાયો : જેને પુત્ર સમાન ઉછેર્યો એ જ હત્યારો નીકળ્યો : પોલીસે બેની ધરપકડ કરી

(ફૂલછાબ ન્યુઝ)

ધ્રાંગધ્રા, તા.ર4 : ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે બનેલો એક રહસ્યમય માર્ગ અકસ્માત આખરે પૂર્વઆયોજિત અને ઠંડા કલેજે કરાયેલી હત્યામાં ફેરવાયો છે. શરૂઆતમાં અકસ્માત 27 વર્ષીય યુવાનનાં મૃત્યુ પાછળ લોહિયાળી સાજિશ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્લું પડયું છે.

પોલીસ ભરતીની તૈયારીમાં વ્યસ્ત યુવરાજાસિંહ ઝાલા રોજની જેમ જીવા ગામથી ચૂલી ગામ તરફના રોડ પર સવારના સમયે રાનિંગ માટે નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહને તેમને ટક્કર મારી કાર નીચે કચડી નાખતા ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મૃતકના પિતા સુખદેવાસિંહ ઝાલાએ અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી, જોકે ઘટનાની પોલીસને શરૂઆતથી જ શંકા ઉપજી હતી. પોલીસે આ શંકાને આધારે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને મોબાઇલ લોકેશનની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે આ હત્યાનો મુખ્ય આરોપી કોઈ બહારનો નહીં પરંતુ મૃતકનો જ કૌટુંબિક ભાઈ દિવ્યરાજાસિંહ હતો. પોલીસ તેની પૂછપરછ કરતા બહાર આવ્યું કે દિવ્યરાજાસિંહની માતાનાં અવસાન બાદ સુખદેવાસિંહ ઝાલાએ તેને પોતાના પુત્ર સમાન રાખી ઉછેર્યો હતો તેમજ તેના લગ્નની જવાબદારી પણ નિભાવી હતી પરંતુ દિવ્યરાજાસિંહની ખરાબ ચાલચલગતને કારણે તેને ટુવા ગામ મોકલવામાં આવ્યો હતો, જેને લઈ તેનાં મનમાં અદેખાઈ અને અદાવત પાંગરી હતી.

આ અદાવતનો બદલો લેવા દિવ્યરાજાસિંહે પોતાના મિત્ર મયુર ઘનશ્યામભાઈ દૂધરેજિયા (રહે. જેતપર, મોરબી) સાથે મળી યુવરાજાસિંહ પર કાર ચડાવી નિર્મમ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી દિવ્યરાજાસિંહ ગંભીરાસિંહ જાડેજા તથા તેના સાગરીત મયુર દૂધરેજીયાની ધરપકડ કરી છે બન્ને આરોપીને ધ્રાંગધ્રા કોર્ટમાં રજૂ કરી તેમની સામે હત્યાની ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી બન્નેની રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક