અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી અનુસાર જે હેતુથી ટેરિફ લાદવામાં આવ્યો હતો તે હવે પૂરો થયો
વોશિંગ્ટન,
તા. 24 : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સંબંધો થોડા વણસ્યા છે. ટ્રેડ ડીલ માટે
વાતચીત લાંબા સમયથી ચાલી રહી છે પણ તેમાં કોઈ સચોટ નિર્ણય સુધી પહોંચી શકાયું નથી.
આ દરમિયાન ટ્રમ્પના મંત્રીએ સંકેત આપ્યો છે કે અમેરિકા ભારત સામેના 25 ટકા ટેરિફને
હટાવી શકે છે કારણ કે ટેરિફ લાદવા પાછળનો જે હેતુ હતો તે હવે પૂરો થઈ ચૂક્યો છે.
અમેરિકી
ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે એક મહત્ત્વનું નિવેદન આપતા સંકેત કર્યો હતો કે અમેરિકા,
ભારત ઉપર લાદવામાં આવેલા 25 ટકા દંડાત્મક ટેરિફને હટાવવા ઉપર વિચાર કરી શકે છે. તેમણે
દાવો કર્યો હતો કે જે ઉદેશ્યથી ટેરિફ લગાડવામાં આવ્યો હતો તે હવે પૂરું થઈ ચૂક્યું
છે. સ્કોટ બેસેંટ અનુસાર અમેરિકાએ ભારત ઉપર 25 ટકા ટેરિફ એટલે લાદ્યો હતો જેનાથી ભારતને
રશિયા પાસેથી ક્રૂડની ખરીદી કરતું અટકાવી શકાય.
બેસેંટે
કહ્યું હતું કે અમેરિકાનાં આકરાં પગલાંનાં કારણે ભારત દ્વારા રશિયન ક્રૂડની ખરીદીમાં
મોટો ઘટાડો અવ્યો છે અને ખરીદી તળીયે પહોંચી છે. આ સ્થિતિને બેસેંટે મોટી સફળતા ગણાવી હતી. વર્તમાન
સમયે ભારત ઉપર 50 ટકા ટેરિફ લાગુ છે. જો કે અમેરિકી પ્રશાસન 25 ટકા ટેરિફ હટાવવાના
પક્ષમાં વિચાર કરી રહ્યું છે.
બેસેંટે
પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે, ટેરિફ હજી પણ લાગેલા છે. જો કે તેઓને લાગે છે કે
ટેરિફ હટાવવાનો રસ્તો છે. એટલે કે અમેરિકા માને છે કે ભારત ઉપર દબાણ લાવવાની તેની રણનીતિએ
કામ કર્યું છે અને હવે ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ઓછી કરી દીધી છે તો પ્રતિબંધો
યથાવત્ રાખવાની જરૂરિયાત રહેતી નથી.