(ફૂલછાબ ન્યુઝ)
ભાવનગર
તા.24 : ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા
પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં રચાયેલી
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જાણીતા લોકસાહિત્યકાર
માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની બે કલાકની સઘન પૂછપરછ બાદ આખરે આ ગુનામાં ધરપકડ
કરવામાં આવી છે.
મળતી
માહિતી પ્રમાણે 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયાને માર મારવા મામલે ભાવનગર જિલ્લાના
બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જોકે, હુમલામાં પોલીસ મુખ્ય આરોપીને છાવરી રહી હોવાના આક્ષેપો બાદ કોળી સમાજના ધારાસભ્યો,
સાંસદો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેની પગલે 5 જાન્યુઆરી 2026ના
રોજ એસઆઇટીની રચના કરવામાં આવી હતી. એસઆઇટી દ્વારા 20 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની
તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પુન: રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની
કડકાઈથી પૂછપરછના અંતે એસઆઇટીને વધુ આરોપીની સંડોવણી હોવાના પુરાવાઓ મળ્યા હતા. જે
બાદ એસઆઇટીએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કાનાભાઇ ભીખાભાઇ કામળીયા, સંજયભાઇ
બેચરભાઇ ચાવડા, દિનેશભાઇ ઉર્ફે દાદુ લોમાભાઇ સોલંકીનો સમાવેશ થાય છે. આ આરોપીઓની વધુ
પુછપરછ, મોબાઇલ લોકેશન તથા અન્ય ટેકનિકલ્સ ડીટેલ્સને ધ્યાને લેવામાં આવી હતી. તા.19/1/2026ના
ફરીયાદી નવનીતભાઇ બાલધીયાનું વિશેષ નિવેદન
લેવામાં આવ્યું હતું. તેમના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનોની ચકાસણી કરતા
જયરાજ આહીરની આ ઘટનામાં પુછપરછ જરૂરી લાગતા તા.21/1/2026ના રોજ નિવેદન નોંધવા બોલાવવામાં
આવ્યા હતા. ત્યારબાદ આ હુમલામાં ભાગ ભજવનાર વધુ 2 આરોપી ઉત્તમભાઇ ભરતભાઇ બાંભણીયા, અજયભાઇ ઉર્ફે મોટો મનજીભાઇ
ભાલીયાની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસની
તલસ્પર્શી તપાસ આગળ વધારતા એસઆઇટીએ પ્રાપ્ત કરેલા અન્ય વધુ પુરાવાઓ, સાંયોગીક નિવેદનો,
આરોપીઓના એકબીજા સાથેના મોબાઇલ સંપર્કો, તેમના
લોકેશન્સ તથા અન્ય ડીટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન મુલવણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના
પુરતા પુરાવાઓ પ્રાપ્ત થતા તેને એસઆઇટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવામાં આવ્યા હતા.
તેની આજની પુછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલા હોવાના પુરતા પુરાવાઓને ધ્યાને
લઈ, સઘન મુલવણી કરી આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.