• શનિવાર, 24 જાન્યુઆરી, 2026

26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું

અમદાવાદની 15 શાળામાં ધમકીભર્યો ખાલિસ્તાની મેઇલ, કંઈ વાંધાનજક ન મળતા તંત્રએ રાહતનો દમ લીધો

અમદાવાદ, તા. 23 : અમદાવાદની શાહીબાગથી સાણંદ સુધીની શાળાઓમાં એક પછી એક 15 શાળામાં ધમકીભર્યો ખાલિસ્તાની ઇ મેઇલ આવતા અફરાતફરી મચી ગઈ હતી. મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું તેવો ઇ મેઇલ આવતા વાલીઓ ફફડી ઉઠયા હતા અને તાત્કાલિક પોતાનાં બાળકોને લેવા નીકળી ગયા હતા.  આજે સવારે અમદાવાદની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઇમેઇલ મળ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બન્ને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાનાં બાળકોને ઘરે લઈ જાય. ધમકીભર્યો ઇ મેઇલ આવતા પોલીસ પણ તાત્કાલિક સ્કૂલોમાં પહોંચી ગઈ હતી. બોમ્બ-ડોગ સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઈપણ વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. શાળાઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન મેટલ ડિટેક્ટર અને સ્નિફર ડોગ્સની મદદથી દરેક ક્લાસરૂમ, મેદાન અને કેન્ટિનની તપાસ કરવામાં આવી હતી.

ફોન આવતા જ વાલીઓએ ગભરાઈને સ્કૂલ તરફ દોટ મૂકી હતી. દરેક સ્કૂલના દરવાજા પાસે વાલીઓની ભીડ જોવા મળી હતી. નોંધનીય છે કે આવા ધમકીભર્યા ઇ મેઇલને કારણે દરેક સ્કૂલોએ વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી ત્યારે ડીપીએસ બોપલે વાલીઓને સંમતિ પત્રક ભરાવ્યા હતા. જેનાં કારણે આ વિધિ પૂર્ણ કરવા માટે વાલીઓને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. 

અમદાવાદ ગ્રામ્ય ડીઇઓએ જણાવ્યું હતું કે વાલીઓ અને વિદ્યાર્થીઓએ ડરવાની કોઈ જરૂર નથી. સત્રાંત પરીક્ષા પણ ચાલી રહી હતી જેથી વિદ્યાર્થીઓની સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક