• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

U-19 વિશ્વકપમાં ભારતની અજેય સફર યથાવત્

ન્યુઝિલેન્ડને સાત વિકેટે હરાવી સતત ત્રીજી જીત: વૈભવ-આયુષે રમી તોફાની ઇનિંગ

બુલાવાયો, તા. 24 : ભારતે ઝિમ્બાબ્વેના બુલાવાયોમાં ચાલી રહેલા અંડર-19 વિશ્વકપમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. શનિવારે ભારતીય ટીમે ન્યુઝિલેન્ડને સાત વિકેટે સરળતાથી હરાવ્યું હતું. ભારતીય ટીમને મળેલા 130 રનના સંશોધિત લક્ષ્યને 13.3 ઓવરમાં ત્રણ વિકેટે મેળવ્યું હતું. જેમાં કેપ્ટન આયુષ મ્હાત્રેએ 27 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયન બે ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત વૈભવ સૂર્યવંશીએ 23 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 40 રન કર્યા હતા. જેની મદદથી ભારતની જીત સરળ બની હતી.

મેચ વરસાદના કારણે 39 ઓવરનો કરવામાં આવ્યો હતો. જેમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝિલેન્ડની ટીમે 36.2 ઓવરમાં 135 રન કર્યા હતા અને ટીમ ઓલઆઉટ થઈ હતી. ન્યુઝિલેન્ડ તરફથી સૌથી વધારે 37 રન કેલમ સેમસને કર્યા હતા. આ ઉપરાંત સ્લેવીન સંજયે 28 અને જેકોબ કોટરે 23 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી આરએસ અંબરીશે 4 વિકેટ લીધી હતી જ્યારે હેનિલ પટેલને ત્રણ વિકેટ મળી હતી.

ન્યુઝિલેન્ડે ભારતને 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને વરસાદના કારણે રિવાઇઝ્ડ કરીને 130 રન કરવામાં આવ્યો હતો. ભારતે પહેલી વિકેટ બીજી જ ઓવરમાં ગુમાવી હતી. જો કે બાદમાં વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેએ તોફાની ઇનિંગ રમી હતી. સૂર્યવંશીએ 40 અને મ્હાત્રેએ 53 રન કર્યા હતા અને ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી. બાદમાં વિહાન મલ્હોત્રાએ 17 અને વેદાંત ત્રિવેદીએ 13 રનની ઇનિંગ રમીને જીત અપાવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક