ઈરાન વિરોધી પશ્ચિમી દેશોના પ્રસ્તાવને ફગાવ્યો
ન્યૂયોર્ક
તા.ર4 : ભારતે યુએનમાં ઈરાનને ખુલ્લેઆમ ટેકો આપી પશ્ચિમી દેશોને ચોંકાવ્યા છે. સંયુક્ત
રાષ્ટ્ર સંઘમાં આ એક દુર્લભ ઘટના હતી જ્યારે ભારત, ચીન અને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય
પ્લેટફોર્મ પર સર્વાનુમતે ઈરાનની તરફેણમાં મતદાન કર્યું હતું. મતદાનમાં ગ્લોબલ સાઉથના
ઘણા મુખ્ય દેશો ગેરહાજર રહ્યા. ઠરાવની તરફેણ (હા)માં 25 મત, 14 મત તટસ્થ અને વિરુદ્ધ
એટલે કે (ના) માં 07 મત પડયા હતા. ભારતે ઠરાવને સંપૂર્ણપણે નકારી કાઢયો હતો.
સંયુક્ત
રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી) ના 39મા ખાસ સત્રમાં ગઈકાલે મોટો ભૂ-રાજકીય
વળાંક જોવા મળ્યો હતો. પશ્ચિમી દેશો દ્વારા રજૂ કરાયેલા ઈરાનમાં માનવ અધિકારોની સ્થિતિની
નિંદા કરતા ઠરાવ પર ભારતે ખુલ્લેઆમ તેહરાન (ઈરાન)ને સમર્થન આપ્યું હતું. ભારતે માત્ર
ઠરાવનો વિરોધ ન કર્યો પરંતુ પશ્ચિમી દેશો ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન બ્લોકને ઠરાવ
વિરુદ્ધ મત આપીને ચોંકાવ્યા હતા.
પશ્ચિમી
ગઠબંધને લાવેલા ઠરાવનો હેતુ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનમાં માનવ અધિકારોની બગડતી સ્થિતિની
નિંદા કરવાનો હતો. ઠરાવ 28 ડિસેમ્બર, 2025ના રોજ ઈરાનમાં શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ
પ્રદર્શનોના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યો હતો. પશ્ચિમી દેશો ઇચ્છતા હતા કે યુએન ઈરાન
સામે કડક વલણ અપનાવે પરંતુ ગ્લોબલ સાઉથના ઘણા મુખ્ય દેશોએ તેને પશ્ચિમી એજન્ડા ગણાવીને
નકારી કાઢયું હતું.