સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટ મારીને ખાડામાં ખાબકી, બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
(ફૂલછાબ
ન્યુઝ)
સુરેન્દ્રનગર,
તા.30: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરીપર ગામ નજીક એક કારચાલકે
સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાટ મારીને રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે કારમાં
સવાર અન્ય બે યુવાનોને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે
ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તરફથી ધ્રાંગધ્રા
આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડની
સાઇડમાં પલટી મારીને ખાડામાં ખાબકી હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માત
સમયે કારમા સવાર ચારેય યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ અકસ્માતની
ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે
દોડી આવ્યા હતા. તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેની મદદથી તમામ ઇજાગ્રસ્તોને
લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં
હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગંભીર ઇજાઓને કારણે ધાંગધ્રા સૈનિક સોસાયટીમાં રહેતા
ક્રિપાલાસિંહ ઝાલા ઉંમર 48 વર્ષ અને ધાંગધ્રા દેશાઈ ફળીમાં રહેતા બોનિલભાઈ દેસાઈ ઉંમર
25 વર્ષ નામના બે યુવાનને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનોને
તાત્કાલિક સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. મૃતક બન્ને યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ
માટે ખસેડવામાં આવ્યા હતા.
ચારેય
મિત્ર હોટલમાં જમીને પરત ફરતા હતા
ચારેય
મિત્ર હોટેલમાં જમવા ગયા હતા, જમીને પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રાસિંહ
ઝાલા અને બળવંતાસિંહ બન્ને પોલીસ હેડ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ધ્રાંગધ્રા
તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ બે પોલીસ અને એમના બે
મિત્ર ધર્મડ ગામ પાસેથી હોટેલથી જમીને ધ્રાંગધ્રા પરત થતા હાઇવે પર હરિપર ગામ પાસે
પોતાની સ્વિફ્ટ કાર વચ્ચે જાનવર આડું આવતા ગાડી પર કાબૂ ગુમાવતા પલટી મારી જઈ નીચે
ખાડામાં પડી ગઈ હતી.
મોરબીમાં
ટેન્કરે બાઇકને ઠોકર મારતા બેનાં મૃત્યુ
એક
યુવક ઘવાયો : ટેન્કર ચાલક સામે કડક કાર્યવાહી કરવા માંગ
(ફૂલછાબ
ન્યુઝ)
મોરબી,
તા.30: મોરબી પંથકમાં બેફામ દોડતા સિરામિક ઝોનમાં પાણીના ટેન્કર પણ છાશવારે અકસ્માત
સર્જતા હોય છે માતેલા સાંઢની જેમ દોડતા પાણીના ટેન્કરે ગીડચ રોડ પર બુલેટને ઠોકર મારી
હતી અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા છે તો એક યુવાનને ઈજા પહોંચી
હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ગીડચ ગામે
રહેતા ભાવેશ લાભુભાઈ ટીડાણી (ઉં.24), મહેશ પ્રેમજીભાઈ કુંવરિયા (ઉં.27) અને અનીલ પ્રેમજીભાઈ
કુંવરીયા એમ ત્રણેય યુવાનો ગીડ્ચ ગામથી મોરબી યાર્ડ કામકાજ અર્થે આવતા હતા ત્યારે ગીડ્ચ
પાનેલી રોડ પર માતેલા સાંઢની જેમ દોડતા પાણીના ટેન્કરે યુવાનોના બાઈકને અડફેટે લીધું
હતું જે અકસ્માતમાં ભાવેશભાઈ ટીડાણી અને મહેશભાઈ કુંવરિયા એમ બે આશાસ્પદ યુવાનના ઘટનાસ્થળે
જ મૃત્યુ થયા હતા તેમજ અનિલભાઈ કુંવરીયાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હોવાનું ગ્રામજનો
પાસેથી જાણવા મળ્યું છે.
વધુમાં ગ્રામજનોએ જણાવ્યું છે કે બેફામ દોડતા પાણીના
ટેન્કરનો ત્રાસ તેમના ગામ આસપાસ અસહ્ય બની ગયો છે અગાઉ પાનેલીના તળાવમાંથી મોરબીને
પીવાનું પાણી આપવામાં આવતું હતું હવે આ પાણીનો ઉપયોગ સિરામિકમાં કરવામાં આવી રહ્યો
છે રાતાવીરડા સરતાનપર રોડ પર આવેલા એકમોમાં પાણી પહોંચાડવા પાણીના ટેન્કર આખો દિવસ
દોડતા રહે છે અવારનવાર અકસ્માત કરે છે છતાં પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે જેથી આવા
ઈસમો વિરુદ્ધ લગામ કસવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે તો બે આશાસ્પદ યુવાનોના મૃત્યુને
પગલે પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.