• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ઈરાનમાં આર્થિક ભૂકંપ : એક ડોલરનો ભાવ 14 લાખ રિયાલ

ઈરાનમાં ભયાનક મોંઘવારી : લાખો લોકો માર્ગો ઉપર ઉતર્યા, 2022 પછીનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી, તા.30: ઈરાન અત્યારે વર્ષ 2022ના મહસા અમીની પ્રદર્શન બાદના સૌથી મોટા નાગરિક અસંતોષનો સામનો કરી રહ્યું છે. સોમવારે ઈરાનના મુખ્ય શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં અને તેનું કારણ છે અભૂતપૂર્વ આર્થિક સંકટ. ડોલર સામે રિયાલનું મૂલ્ય સર્વકાલીન નીચલા સ્તરે ગરક થઈ ગયું છે. એક ડોલરનો ભાવ 14 લાખ રિયાલે આંબી ગયો છે જ્યારે 2015ના પરમાણુ કરાર દરમિયાન ડોલર સામે રિયાલની કિંમત આશરે 32,000 હતી.

આ આર્થિક પતનથી દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. મોંઘવારી શિખરે પહોંચી ગઈ છે. દૈનિક જરૂરિયાતો અને ખાદ્ય પદાર્થોની કિંમતોમાં અતિશય વધારો થયો છે, જેના કારણે મધ્યમ અને નીચી આવકવાળા પરિવારોનું બજેટ સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયું છે. 21 માર્ચથી શરૂ થનારા ઈરાની નવા વર્ષમાં સરકાર દ્વારા કરવેરા વધારવાની ચર્ચાએ જનતાનો ગુસ્સો વધુ ભડકાવ્યો છે. પેટ્રોલની કિંમતોમાં થયેલા તાજેતરના ફેરફારોએ પણ મોંઘવારીનું દબાણ વધારી દીધું છે. જેના કારણે પરિવહન અને પુરવઠા વ્યવસ્થા પર સીધી અસર પડી છે.

પ્રદર્શનોની શરૂઆત રાજધાની તેહરાનથી થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં તે ઇસ્ફહાન, શિરાઝ અને મશહદ જેવા અન્ય મોટા શહેરોમાં પણ ફેલાઈ ગયા. આ વખતના પ્રદર્શનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત વેપારી વર્ગની ભાગીદારી છે.

આર્થિક મોરચે વધતા દબાણની પહેલી મોટી રાજકીય અસર ઈરાનના સેન્ટ્રલ બેંકના વડા મોહમ્મદ રજા ફરજિનના રાજીનામા રૂપે જોવા મળી છે. ચલણનાં અવમૂલ્યન અને વધતા વિરોધ પ્રદર્શન વચ્ચે તેમણે પોતાનું પદ છોડી દીધું છે.

નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં 2022નો વિરોધ મુખ્યત્વે સામાજિક અને નાગરિક સ્વતંત્રતાઓ પર કેન્દ્રિત હતું, જ્યારે 2025નું હાલનું આંદોલન સંપૂર્ણ રીતે આર્થિક નિષ્ફળતા અને લાંબા સમયથી લાગુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના પરિણામ પર આધારિત છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક