રિકન્સ્ટ્રકશન સમયે ભાગવા જતાં પોલીસના ફાયરીંગમાં આરોપીને પગમાં ગોળી વાગી
(ફૂલછાબ
ન્યુઝ)
સુરેન્દ્રનગર,
તા.30: સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને ચકચાર મચાવતી એક
ગંભીર ઘટના સામે આવી છે. લીંબડી તાલુકાના શિયાણી ગામે આરોપીના રીકન્સ્ટ્રકશન દરમિયાન
આરોપીએ પોલીસ પર છરી વડે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. આ
ઘટનામાં એક પોલીસ કર્મચારીને ઇજાઓ પહોંચતા પોલીસે આત્મરક્ષામાં ફાયરિંગ કરવાની ફરજ
પડી હતી.
મળતી
માહિતી મુજબ, લીંબડી તાલુકાના શિયાણી ગામનો રહેવાસી દેવરાજ બોરાણા અગાઉ નોંધાયેલા મારામારીના
ગુનામાં આરોપી છે. આ કેસ સંદર્ભે પોલીસે આરોપીને રીકન્સ્ટ્રકશન માટે શિયાણી ગામે લઇ
જવામાં આવ્યો હતો. રીકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીએ
અચાનક ઉશ્કેરાય પોતાની પાસે રહેલી છરી વડે પોલીસ પર હુમલો કર્યો હતો. આ અચાનક થયેલા
હુમલાથી પોલીસ બંદોબસ્તમાં અફરાતફરી મચી ગઇ હતી.
આ હુમલામાં
એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ
તાત્કાલિક પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લીંબડી પોલીસ મથકના પીએસઆઇ
વી.એમ. કોડીયાતરે પરિસ્થિતિને વધુ ગંભીર બનતી અટકાવવા માટે અને સ્વબચાવના હેતુસર આરોપી
પર ફાયરિંગ કયું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આરોપી દેવરાજ બોરાણાના
પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તેને પણ ઇજાઓ પહોંચી હતી. ફાયરિંગ બાદ આરોપીને તરત
જ કાબૂમાં લઇ લેવામાં આવ્યો હતો.
ઘટના
બાદ બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બંનેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ
ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ
દ્વારા આરોપી વિરૂધ્ધ પોલીસ પર હુમલો, સરકારી ફરજમાં અડચણ ઉભી કરવી અને ઘાતક હથિયારથી
હુમલો જેવા ગંભીર ગુનાઓમાં વધુ કલમો ઉમેરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવના
પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.