બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ,
તા. 30: રાજ્યમાં ઠંડીની ધીમે ધીમે શરૂઆત થઇ રહી છે ત્યારે બીજી બાજુ હવે કમોસમી વરસાદ
એટલે કે માવઠાની આફત તોળાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ,
આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને
કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના
કેટલાક દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાં પડવાની સંભાવના
વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની આ આગાહીને પગલે શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતા
પ્રસરી ગઈ છે.
હવામાન
ખાતાની આગાહી મુજબ તા. 31-12-2025 થી તા.01-01-2026 દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓ
જેવા કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં છુટાછવાયા
સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને
કારણે વાતાવરણમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. માવઠા બાદ રાજ્યમાં ઠંડીનું જોર ફરી
એકવાર વધશે. આગામી બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા
છે, જેને કારણે જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. પ્રવાસીઓ અને ઉજવણીનું
આયોજન કરનારા લોકો માટે પણ આ બદલાતું હવામાન મહત્ત્વનું બની રહેશે.