મૌખિક દલીલો માટે સમય મર્યાદા, વકીલોએ લેખિતમાં આપવું પડશે
નવી
દિલ્હી, તા.30 : ન્યાયિક પ્રક્રિયામાં મોટા સુધારામાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર વકીલોની
મૌખિક દલીલો માટે કડક સમયમર્યાદા નક્કી કરવાનો આદેશ જારી કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ
સૂર્યકાંતની અધ્યક્ષતામાં જારી કરાયેલ આ માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) હેઠળ વકીલોએ
અગાઉથી તેમની દલીલો માટે સમયમર્યાદા પ્રસ્તાવિત કરવાની રહેશે અને નોટિસ પછીના અને નિયમિત
સુનાવણીના તમામ કેસોમાં તેનું કડક પાલન કરવાની રહેશે. આ એસઓપી નોટિસ પછીના અને નિયમિત
સુનાવણીના તમામ કેસોમાં લાગુ પડશે.
આ પરિપત્ર
29 ડિસેમ્બર, 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો અને તે તાત્કાલિક અમલમાં છે. એસઓપીનો પ્રાથમિક ઉદ્દેશ્ય કોર્ટના સમયનું અસરકારક
રીતે સંચાલન કરવાનો, વિવિધ બેન્ચ વચ્ચે કામનાં કલાકોનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવાનો
અને ન્યાયના ઝડપી વિતરણને પ્રોત્સાહન આપવાનો છે.
સુપ્રીમ
કોર્ટે સ્પષ્ટ કર્યું કે ન્યાયના ઝડપી અને યોગ્ય વહીવટને સુનિશ્ચિત કરવા માટે આ પગલું
લેવામાં આવ્યું છે. નવા એસઓપી હેઠળ વરિષ્ઠ વકીલો અને દલીલ કરનારા વકીલોએ અગાઉથી સૂચવવાની
જરૂર રહેશે કે તેઓ મૌખિક દલીલો માટે કેટલો સમય ફાળવવા માગે છે. આ સમયમર્યાદા સુનાવણીના
ઓછામાં ઓછા એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના ઓનલાઇન એપિઅરન્સ સ્લિપ પોર્ટલ દ્વારા સબમિટ
કરવી આવશ્યક છે. નવી સિસ્ટમથી સુનાવણીનું વધુ સારું આયોજન શક્ય બનશે. એક જ દિવસમાં
વધુ કેસોની અસરકારક સુનાવણી શક્ય બનશે અને ન્યાયનું ઝડપી અને સરળ વિતરણ સુનિશ્ચિત થશે.