• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

પ્રિયંકા ગાંધીનાં પુત્ર રેહાન- અવીવાની સગાઇ

નવી દિલ્હી, તા.30: કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાની સગાઇ અવીવા બેગ સાથે થઇ છે. રેહાન અને અવીવા આશરે 7 વર્ષથી સંબંધમાં હતાં અને હવે આ પ્રેમ સંબંધ જીવનભરનાં સંગમાં બદલાઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા રેહાને અવીવાને લગ્ન માટે પ્રસ્તાવ કરેલો અને પરિવારોએ આ સંબંધ સ્વીકારીને સગાઇ માટેની પણ મંજૂરી આપી હતી. દિલ્હીમાં એક ખાનગી કાર્યક્રમમાં સગાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. અવીવા બેગની ઇન્સ્ટા પ્રોફાઇલ મુજબ તે દિલ્હીમાં રહે છે અને વ્યવસાથે ફોટોગ્રાફર છે. અવીવા બેગે એક ફોટોગ્રાફીક સ્ટુડિયો પણ શરૂ કર્યો હતો. આ ઉપરાંત તે એક પ્રોડકશન કંપનીનું પણ સંચાલન કરે છે. તેની વેબસાઇટ અનુસાર પ્રોડકશન કંપની ઘણી એજન્સીઓ સાથે મળીને કામ કરે છે.

ઘણાં લાંબા સમયથી સંબંધમાં હોવા છતાં બંનેએ આ સંબંધને દુનિયાની નજરોથી દૂર રાખ્યો હતો. સગાઇનાં  ત્રણ દિવસ પહેલા અવીવા બેગે રિહાન સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં બંને સાથે જોવા મળ્યાં હતા. જાણકારી મુજબ બંનેની સગાઇ સોમવારે થઇ હતી. જેમાં માત્ર નજીકના લોકો જ સામેલ થયા હતાં.

અવીવા બેગની વાત કરીએ તો તે મોર્ડન સ્કૂલની છાત્રા રહી છે. ત્યાર બાદ તેણે ઓપી જિંદલ યુનિવર્સિટીથી સ્નાતક પૂર્ણ કર્યું હતું. ત્યાંથી તેણે મીડિયા કમ્યુનિકેશન અને જર્નાલિઝમની ડિગ્રી લીધી હતી. અવીવા રાષ્ટ્રીય સ્તરની ફૂટબોલ પ્લેયર રહી ચુકી છે. તે હવે દેશના મોટા રાજનૈતિક પરિવારની વહુ બનવા જઇ રહી છે અને હજી સુધી તેમના લગ્નની તારીખો અંગેની માહિતી મળતી નથી.

----------

ઇ-પેપરના નવા શુલ્ક