મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 9,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત
આવનારા વર્ષોમાં નવા 10 હજારથી
વધુ નંદઘરો બનાવાશે
અમદાવાદ, તા.4: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રને સશક્ત બનાવવાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું
ભર્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યભરની
9,000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા
હતા. મુખ્યમંત્રીએ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અભિનંદન પાઠવતાં
જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન
નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની અતિમહત્ત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની
છે. તેમણે સુપોષિત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત - સમૃદ્ધ ભારત બનાવવાની સેવા તક
નવી નિમણૂક મેળવી રહેલી આંગણવાડી બહેનોને મળી છે તેને સાર્થક કરવા વિકસિત ભારત
2047 માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાનું આહવાન કર્યું હતું.
વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન
નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિથી રાષ્ટ્ર નિર્માણનું જે લક્ષ્ય આપ્યું છે તેને પાર પાડવા
રાજ્ય સરકાર માતાઓના પોષણ અને સ્વાસ્થ્ય તેમજ ભૂલકાઓના પોષણ, આરોગ્ય અને પ્રારંભિક
શિક્ષણ માટે પ્રતિબદ્ધ છે. બાળ માનસનું સંસ્કાર સિંચન કરીને તેને ભવિષ્યનો નાગરિક બનાવવાનું
દાયિત્વ નિભાવતી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માતા યશોદાની જેમ બાળકોનું લાલન પાલન
અને ઘડતર કરે છે. એક સમયે જૂના-પુરાણા મકાનો, પંચાયત ઘરો અને મંદિરોમાં ચાલતા બાળમંદિરોની
સ્થિતિ બદલવા માટેનું વિઝન આપીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સંપૂર્ણ સુવિધાયુક્ત
આંગણવાડી-નંદઘરોના નિર્માણ કરાવ્યા છે તેના પરિણામે આજે રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડી
કેન્દ્રો કાર્યરત છે.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ
મંત્રી ડૉ. મનિષાબેન વકીલે જણાવ્યું હતું કે, તમે આજથી સરકારી સેવામાં નહીં પરંતુ બાળકોના
ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાયા છો. તમે સૌ ભવિષ્યના નાગરિક એવા બાળકોના
પ્રથમ શિક્ષિક બનવાના છો. તમે જે સંસ્કાર, શિક્ષણ અને પોષણનું બીજ રોપશો તેમાંથી આવતીકાલનું
ગુજરાત ખીલશે.
મુખ્યમંત્રીએ વધુ 170 જેટલા નવા
આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત આ સમારોહમાં કરતાં આવનારા વર્ષોમાં
નવા 10 હજારથી વધુ નંદઘરો બનાવવાના રાજ્ય સરકારના આયોજનની વિગતો આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે
રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર
બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા
મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. આ સાથે રાજકોટ, સુરત અને વડોદરા
ઝોનના નવા નિમણૂક પામનારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પણ મંત્રીઓ તેમજ મહાનુભાવોના
હસ્તે જિલ્લા કક્ષાએથી નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. મહિલા અને બાળ વિકાસ મંત્રી
ડૉ. મનિષા વકીલે આ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે પોષણની સેવાઓ, પા પા પગલી-પૂર્વ પ્રાથમિક
શિક્ષણ, ડિજીટલ પહેલ, અને પોષણ સંગમ સહિત વિવિધ સ્ટોલની મુલાકાત લઈને વિગતો મેળવી હતી.