• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

સર ગામ પાસે રામોદના વેપારીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

મોવિયા ગામે રહેતા બહેનના સાસરિયાઓ સામે શંકા : દોઢ માસ પૂર્વે બનેવીએ આપઘાત કર્યો’તો : સાસરિયાઓને ધમકી આપી’તી

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.18 : કોટડા સાંગાણી તાબેના રામોદ ગામે રહેતા અને સરધાર ગામે ઈલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારી યુવાનની સર ગામ પાસેથી તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવ અંગે મૃતક વેપારીના મોવિયા ગામે પરણાવેલ બહેનના સાસરિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની શંકાના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, રામોદ ગામે રહેતા અને સરધારમાં ઈલેક્ટ્રિકની દુકાન અને આધારકાર્ડ કેન્દ્ર ચલાવતા ગિરીશભાઈ દિલીપભાઈ રાઠોડ નામના વેપારી યુવાનની સરધાર રોડ પર સરગામ નજીક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા આજીડેમ પોલીસ મથકના પીઆઈએ.બી.જાડેજા તથા પોસઈ જે.જી.રાણા તથા સ્ટાફ દોડી ગયા હતા અને  હાથ ધરેલી તપાસમાં મૃતક ગિરીશભાઈને શરીર પર તીક્ષ્ણ હથિયારથી આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક ગિરીશભાઈની એકની એક બહેન જયશ્રી ઉર્ફે જયાબેનના મોવિયા ગામે લગ્ન થયા હતા અને દંપતી વચ્ચે માથાકૂટ થતા જયશ્રી ઉર્ફે જયાબેન માવતરે રીસામણે આવતી રહી હતી અને દોઢ માસ પૂર્વે બનેવીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આથી જયશ્રીબેન ઉર્ફે જયાબેનની સાસુએ ભાઈ-બહેનના કારણે તેના પુત્રએ આપઘાત કરી લીધો હોય મારી નાખવાની ધમકી આપી હતી. મૃતક ગિરીશ રાઠોડની હત્યા સર ગામે જ કરવામાં આવી હતી કે અન્ય સ્થળે બોલાવ્યા બાદ અજાણ્યા શખસોએ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સર ગામ પાસે ફેંકી નાસી છુટયા હતા તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી હતી. તેમજ હાલમાં હત્યા કર્યાની શંકા બહેનના સાસુ સહિતના સાસરિયાઓ સામે વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હાલમાં અજાણ્યા શખસો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025