• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

વસમા વિદેશી વાયરા

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ કથળતી જાય છે. વિશ્વના સૌથી મોટા છ દેશોમાંથી ત્રણ મંદીમાં છે, એક તકલીફમાં છે અને બીજા એકની હાલત બગડવાની ચેતવણીઓ સંભળાય છે. જપાન અને બ્રિટન ડિસેમ્બર ત્રિમાસિકમાં મંદીમાં પ્રવેશી ચૂક્યા છે. જપાનની રાષ્ટ્રીય આવક સપ્ટેમ્બર 2023 ત્રિમાસિકમાં 3.3 ટકા ઘટ્યા પછી ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ 0.4 ટકા ઘટી. બ્રિટનનું અર્થતંત્ર સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 0.1 ટકા સંકોચાયા પછી ડિસેમ્બર ત્રિમાસિકમાં ફરીથી 0.3 ટકા ઘટ્યું. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક સળંગ બે ત્રિમાસિકમાં ઘટે તો અર્થશાસ્ત્રની પરિભાષામાં તે મંદીમાં છે એમ ગણાય. જપાનને હટાવીને જર્મની હવે દુનિયામાં ત્રીજા ક્રમે આવી ગયું છે. પરંતુ તેની હાલત જરાય સારી નથી. યુરોપનું સૌથી મોટું અને દુનિયાનું ચોથા ક્રમનું અર્થતંત્ર ધરાવતા જર્મનીની રાષ્ટ્રીય આવક ડિસેમ્બર ત્રિમાસિકમાં 0.3 ટકા સંકોચાઈ હતી અને આ વર્ષે માત્ર 0.2 ટકા વધવાનો અંદાજ છે. જર્મની એક જમાનામાં યુરોપનો વિકાસરથ (ગ્રોથ એન્જીન) હતું. બે દાયકા સુધી જર્મનીના ઉદ્યોગપ્રધાન અને નિકાસલક્ષી અર્થતંત્રને ચીનના ઉદયનો અને રશિયાના સસ્તા ગેસનો ભરપૂર લાભ મળ્યો હતો. હવે બંને લાભ હાલ પૂરતા તો સૂકાઈ ગયા છે.

અન્ય મોટા અર્થતંત્રોમાં ચીન સંભવત: લાંબા ગાળાની પડતીમાં દાખલ ચૂક્યું છે. તેની વસ્તી વૃદ્ધ થતી જાય છે અને તેના નિકાસલક્ષી ઉદ્યોગો જાગતિક મંદીનો સામનો કરી રહ્યા છે. ઘરઆંગણે વપરાશી ખર્ચ અપૂરતો છે અને રિયલ એસ્ટેટની કટોકટીને પગલે રોકાણ અનાકર્ષક અને જોખમી બની ગયું છે. અમેરિકા અત્યારે ધમધમે છે પરંતુ તેની કંપનીઓએ ચેતવણી આપી છે કે રાતા સમુદ્રની અશાંતિ અને ઇઝરાયલ-હમાસના સંઘર્ષના પ્રત્યાઘાતોને કારણે તેમના નફા સંકોચાઈ શકે છે. વિકસિત દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (ઓઈસીડી)ના અંદાજ મુજબ આ ઉપરાંત બીજા એકાદ ડઝન દેશો કાં તો ટેક્નિકલ મંદીમાં પ્રવેશી ચૂક્યા છે અથવા તેના ઉંબરે ઉભા છે. 

આ દેશો પૈકી જપાન અને ચીનની સમસ્યા માળખાગત છે. પરંતુ બાકીના મોટા ભાગના દેશો સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય રાજકારણનો ભોગ બનેલા છે. યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયાના સંઘર્ષે આંતરરાષ્ટ્રીય વ્યાપારને ડહોળી નાખ્યો છે. બ્રિટનમાં યુરોપીય સંઘમાંથી નીકળી જવાનાં પરિણામો સામે આવી રહ્યાં છે. ચીનમાં પણ સામ્યવાદી પક્ષની પકડ ઢીલી કરવાની સત્તાધીશોની અનિચ્છા આર્થિક સુધારાઓની આડે આવે છે.

આ તોફાની  મોજાંઓ વચ્ચે ભારત સ્થિરતા, શાંતિ અને વિકાસના ખડક સમાન ઉભું છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કટોકટીથી તે અલિપ્ત રહી શકશે નહિ. વિકસિત દેશોની મંદીને લીધે તેની માલસામાન તેમ જ સોફ્ટવેર સહિતની સેવાઓ માટેની નિકાસમાગ ઠંડી પડશે. કડક નાણાનીતિ અને ઊંચા વ્યાજદરને લીધે વિદેશી મૂડીનો પ્રવાહ પાતળો પડી શકે. તેથી જ મોટા ભાગની સંસ્થાઓ આ વર્ષે ભારતનો વિકાસ ધીમો પડવાની આગાહી કરી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક