ગુજરાતમાં વધારે એક ગંભીર દુર્ઘટના બન્યાને એક સપ્તાહ વિતવા આવ્યું. ભારે અને સામાન્ય વાહનોનું પરિવહન જ્યાં સતત ચાલુ હતું તેવો પુલ જર્જરિત હોવા છતાં તેના સમારકામ કે તેના ઉપર વાહનો ચલાવવાનો પ્રતિબંધ મૂકવા પર ધ્યાન અપાયું નહીં તેવા ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. છેલ્લા અમુક વર્ષોમાં કેટલી દુર્ઘટના? કેટલા આકસ્મિક અપમૃત્યુ? કેટલી ઈજા? એવું બધું ચર્ચાઈ ગયું, લખાઈ ગયું. સરકારી સહાય ચૂકવાઈ ગઈ. વિશેષ તપાસ ટૂકડી રચાઈ. તપાસના આદેશ અપાઈ ગયા...ટીવી ચેનલ્સના એન્કર્સ મોટા અવાજે આખી ઘટનાનું પૃથક્કરણ કરતા રહ્યા અને બસ દિવસો વિત્યા..
આમ
તો આખા ગુજરાતમાં- દેશમાં ચોમાસાને લીધે રસ્તામાં પડેલા ખાડા, બિસમાર હાઈ-વે, ભરાયેલાં
પાણી જેવી બાબતોના વીડિયો સતત વાયરલ હતા. લોકો સ્થાનિક પ્રશાસનથી શરૂ કરીને કેન્દ્રીય
માર્ગ નિર્માણ સત્તામંડળની ટીકા કરતા હતા, વિરોધ કરતા હતા. અબજો રૂપિયાનો ખર્ચ જેના
માટે થયો હતો અને જેની મજબૂતી તથા આધુનિકપણા માટે વૈશ્વિક સ્તરે પ્રચાર થયો હતો તે
રસ્તાઓ માટીમાં મળી ગયા. શહેરના કોઈ વોર્ડનો માર્ગ હોય કે રાષ્ટ્રીય ધોરી માર્ગ બધે
સ્થિતિ અત્યંત વિકટ છે. વાહનોના આયુષ્ય અને માનવીઓના હાડકાં ઉપર જોખમ છે. રાજકોટ-અમદાવાદ
કે રાજકોટ - જેતપુર વચ્ચે ચાલતા રસ્તાના કામો શરૂ થયાને અડધો અડધો દાયકો વીત્યો છતાં
તે પૂર્ણ થયાં નથી.
જે
માત્રામાં રસ્તા તૂટયા છે, નુકસાન થયું છે તે સામાન્ય કરતાં વધારે છે. વિપક્ષ, અન્ય
રાજકીય પક્ષો ટીકા કરે, રજૂઆત કરે તેને બહુ ગંભીરતાથી ન લેવી, કોઈ માઈલેજ ન લઈ જાય
તેનું ધ્યાન રાખવું તે વાત નવી નથી. વિપક્ષ રજૂઆત કરે તો થતું હોય તે કામ પણ થાય નહીં.
આ વખતે જો કે સ્થિતિ જુદી છે. પ્રજા પોતે રોષ વ્યક્ત કરી રહી છે. કોઈ મંત્રી કે અન્ય
નેતા માટે બનતા મીમ્સ, કાર્ટૂનને ગંભીરતાથી ન લઈએ તો પણ તૂટેલા રસ્તા માટે વ્યક્ત થઈ
રહેલો આક્રોશ વધારે છે. હજી તો આ બધું ચાલુ હતું ત્યાં પુલ દુર્ઘટના થઈ તેને લીધે નારાજગીમાં
વધારો થયો છે.
લોકો
બહાર નીકળતાં અસલામતી અનુભવી રહ્યાં છે. પ્રશાસનમાં અવિશ્વાસ વધી રહ્યો છે. ચૂંટણી
દૂર છે કે નજીક? તે અગત્યનું નથી. મતદાન સમયે લોકો શું યાદ રાખશે? તેની ચર્ચાનો અર્થ
નથી. પ્રજાને તેની પ્રાથમિક સુવિધા ગુણવત્તાયુક્ત મળવી જોઈએ. લાખો રૂપિયાનો ટોલટેક્સ
અન્ય વેરા ભર્યા પછી જો રસ્તા અને પુલ આવા નબળા હોય તો આ અવિશ્વસનીયતા ‘અનેક લોકો’ માટે ‘અસલામતી’ની સ્થિતિ ઊભી કરી શકે.