- 21 જુલાઈ સુધીમાં ચકાસણી કરી લેવા તમામ એરલાઈન્સને ડીજીસીએનો આદેશ : દુનિયાની એરલાઈન્સ હવે ફ્યૂલ સ્વીચ બાબતે પાયલટને કરવા માંડી સાવચેત
-
એર ઈન્ડિયાનાં સીઈઓએ કર્મચારીઓને
કોઈ આખરી નિષ્કર્ષ ઉપર નહીં આવવા આપેલી સૂચના
નવીદિલ્હી,
તા.14: અમદાવાદની ભયાનક વિમાન દુર્ઘટના પછી આવેલા પ્રાથમિક તપાસ અહેવાલનાં તથ્યો બાદ
દોષનો ટોપલો પાયલટ ઉપર ઢોળતી અટકળો અને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે ત્યારે એર ઈન્ડિયાનાં સીબીઓએ
તમામ કર્મચારીઓને એક ઈ-મેઈલમાં કહ્યું છે કે, હજી તપાસ પૂર્ણ થઈ ન હોવાથી કોઈ આગોતરા
નિષ્કર્ષ કાઢવા નહીં. બીજીબાજુ દુનિયામાં અન્ય એરલાઈન્સ આ તપાસ અહેવાલ પછી સતર્ક થઈ
ગઈ છે અને ફ્યૂલ સ્વીચ અંગે ખાસ સાવધાની વર્તવા માટે પોતાનાં પાયલટોને તાકીદ કરી રહી
છે. દરમિયાન ડીજીસીએ તરફથી પણ ભારતમાં નોંધાયેલી તમામ ફ્લાઈટસમાં ફ્યૂલ સ્વીચની ચકાસણી
21 જુલાઈ સુધીમાં કરાવી લેવા સૂચના આપી દેવામાં આવી છે.
એતિહાદ
સહિતની એરલાઈન્સ દ્વારા પાયલટોને વિશેષ સૂચના આપવામાં આવી છે. જેમાં ફ્યૂલ સ્વીચમાં
ખાસ તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. આમાં ફ્યૂલ કંટ્રોલ સ્વીચ કે તેની આસપાસની અન્ય
સ્વીચ, કંટ્રોલને ઓપરેટ કરતી વખતે સતર્ક રહેવા માટે કહેવાયું છે. આ ઉપરાંત એતિહાદે
તો ફ્યૂલ સ્વીચની તપાસ પણ કરવામાં આવશે તેવું કહ્યું છે. બીજીબાજુ દક્ષિણ કોરિયાનાં
પરિવહન મંત્રાલયે તો પોતાની એરલાઈન્સમાં બોઈંગ વિમાનમાં ફ્યૂલ કંટ્રોલ સ્વીચોની તપાસ
કરવાનો નિર્દેશ પણ આપી દીધો છે.
બીજીબાજુ
એર ઈન્ડિયાનાં સીઈઓ કેમ્પબેલ વિલ્સને પોતાનાં કર્મચારીઓને આજે આપેલા એક સંદેશમાંકહ્યું
હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વિમાનમાં કોઈપણ પ્રકારની મિકેનિકલ કે
મેન્ટેનન્સની સમસ્યા નહોતી. ઈંધણની ગુણવત્તામાં પણ કોઈ વાંધો દેખાયો નથી. ટેક ઓફ રોલ
પણ બરાબર જ હતો. પાયલટોએ પણ ઉડાન પહેલા બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ પાસ કરેલા હતાં. તેમની
સ્વાસ્થ્યની સ્થિતિમાં પણ કંઈ અસાધારણ જોવા મળ્યું નહોતું. તેમ છતાં આ પ્રાથમિક તપાસ
ઉપરથી કોઈ આખરી નિષ્કર્ષ ઉપર આવવું નહીં તેવી સૂચના બધા કર્મચારીઓને આપવામાં આવી છે.
આ દરમિયાન
અમદાવાદમાં બનેલી દુર્ઘટના ઉપર એએઆઈબીના શરૂઆતી રિપોર્ટ બાદ નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય
(ડીજીસીએ) દ્વારા મોટો આદેશ જારી કરવામાં આવ્યો છે. ડીજીસીએએ તમામ ભારતીય રજિસ્ટર્ડ
ફલાઈટ્સના એન્જીન ફ્યૂલ સ્વિચની અનિવાર્ય ચકાસણી કરવાનો આદેશ જારી કર્યો છે. ચકાસણી
પુરી કરવાની અંતિમ તારીખ 21 જુલાઈ 2025 છે. ડીજીસીએ સ્પષ્ટ કહ્યું છે કે ચકાસણી સ્ટેટ
ઓફ ડિઝાઈન/મેન્યુફેક્ચર દ્વારા જારી કરવામા આવેલા એરવર્થીનેસ ડાયરેક્ટિવના આધારે જરૂરી
કરવામાં આવી છે.