ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ પ્લેયર ઓફ ધ મેચ
લંડન
તા.14: ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના સાથમાં પૂંછડિયા ખેલાડીઓ જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ
સિરાજના સંઘર્ષ બાદ અંતમાં ઇંગ્લેન્ડ વિરૂધ્ધના ત્રીજા ટેસ્ટમાં ભારતની 22 રને નાટકિય
હાર થઇ હતી. સ્પિનર શોએબ બશીરની ઓવરમાં સિરાજના બેટને દડો સ્પર્શ કરીને સ્ટમ્પને લાગ્યો
હતો આથી ચકલા પડી ગયા હતા અને ભારતીય ટીમ 193 રનના વિજય લક્ષ્યનો પીછો કરવામાં નિષ્ફળ
રહીને 74.પ ઓવરમાં 170 રને ઓલઆઉટ થઇ હતી. આથી
ઇંગ્લેન્ડનો રસાકસી પછી 22 રને રોમાંચક વિજય થયો હતો. રવીન્દ્ર જાડેજાની અદભૂત
અને લડાયક અર્ધસદી એળે ગઇ હતી. તે 181 દડામાં 4 ચોક્કા અને 1 છક્કાથી 61 રને અણનમ રહ્યો
હતો. લોર્ડસ ટેસ્ટના વિજયથી પાંચ મેચની શ્રેણીમાં
ઇંગ્લેન્ડ ટીમ 2-1થી આગળ થઇ છે. શ્રેણીનો ચોથો મેચ માંચેસ્ટરમાં તા. 23 જુલાઇથી રમાશે.
મેચમાં કુલ પ વિકેટ અને 44 તથા 33 રનની ઇનિંગ રમનાર ઇંગ્લેન્ડનો કેપ્ટન પ્લેયર ઓફ ધ
મેચ જાહેર થયો હતો.
એક
સમયે ભારતે 40મી ઓવરમાં 112 રને 8મી વિકેટ નીતિશકુમાર રેડ્ડી (13)ના રૂપમાં ગુમાવી
હતી. આ પછી રવીન્દ્ર જાડેજા અને 10મા ક્રમના જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડના તમામ બોલરોને
હંફાવીને 132 દડામાં 3પ રનની ભાગીદારી કરી મેચ રોમાંચક બનાવ્યો હતો. બુમરાહ ટી ટાઇમ
પહેલા પ4 દડાનો સામનો કરીને પ રને સ્ટોકસના દડામાં કેચ આઉટ થયો હતો. આ પછી જાડેજા અને
11મા ક્રમના ભારતીય ખેલાડી સિરાજે ઇંગ્લેન્ડના બોલરોનો મકકમતાથી સામનો કર્યોં હતો.
બન્ને વચ્ચે 80 દડામાં 23 રનની ભાગીદારી થઇ ચૂકી હતી. આ સમયે સિરાજ કમનસીબ રીતે બોલ્ડ
થયો હતો અને ભારતની ઇનિંગ 170 રને સમાપ્ત થઇ હતી. આખરી બે વિકેટે કુલ 212 દડાનો સામનો
કરીને ઇંગ્લેન્ડ ટીમને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા.
આ પહેલા
આજે મેચના આખરી અને પાંચમા દિવસે ભારતે 4 વિકેટે પ8 રનથી તેનો દાવ આગળ ધપાવ્યો હતો.
ત્યારે ભારતને જીત માટે 13પ રનની અને ઇંગ્લેન્ડને 6 વિકેટની જરૂર હતી. લંચ પહેલા ભારતે
ઋષભ પંત (9), કેએલ રાહુલ (39), વોશિંગ્ટન સુંદર (0) અને નીતિશકુમાર રેડ્ડી (13)ની વિકેટ
ગુમાવી દીધી હતી. આથી ભારતીય ટીમ ભીંસમાં આવી ગઇ હતી. જો કે જાડેજાએ અંત સુધી લડાયક
બેટિંગ કરી હતી. તેનો પૂંછડિયા ખેલાડી બુમરાહ અને સિરાજે સાથ આપ્યો હતો, ટોચના ક્રમના
બેટધરો નિષ્ફળ રહ્યા હતા. આથી ભારતની અંતમાં 22 રને હાર થઇ હતી.
ઇંગ્લેન્ડ
તરફથી કપ્તાન બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચરે 3-3 વિકેટ લીધી હતી.