પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રમણે ચડ્યા છે. તે રોજ નવા નવા દેશોને પત્ર લખીને તેમના પર ટેરિફ નાખવાની જાહેરાત કરે છે અને નવી નવી ધમકીઓ આપે છે. તેમનાં કૃત્યો અને ઉચ્ચારણોને પગલે પરિસ્થિતિ સ્પષ્ટ થવાને બદલે અનિશ્ચિતતા ઘટ્ટ થતી જાય છે. ટ્રમ્પે સપ્તાહની શરૂઆતથી ચૌદ દેશોને પત્ર લખીને તેમના પર કેટલી પારસ્પરિક જકાત લાગુ પડશે તેની જાણ કરી છે. આ જકાત 1 અૉગષ્ટથી લાગુ પડશે એમ તેમણે કહ્યું છે. પરંતુ આ આખરી શબ્દ નથી. જપાન અને દક્ષિણ કોરિયાથી લઈને વિયેતનામ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સુધીના દેશો જકાતમાં રાહત મેળવવા અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે. ટ્રમ્પે તાંબા ઉપર 50 ટકા જકાત નાખવાની જાહેરાત કરી છે. તે તત્કાળ અમલમાં આવશે કે 1 અૉગષ્ટથી તે સ્પષ્ટ નથી. જો ચીન રેર અર્થ મેગ્નેટ્સનો પુરવઠો રૂંધવાનું ચાલુ રાખે તો ઇન્ડક્શન મોટર્સ બનાવવા માટે તાંબાની માગમાં ઉછાળો આવશે. ભારત અમેરિકા ખાતે થોડુંઘણું (31 કરોડ ડોલરનું) તાંબુ નિકાસ કરે છે, પણ તે પાઇપ અને વાયરના સ્વરૂપમાં હોય છે. પચાસ ટકાની જકાત આપણા ઉત્પાદકો માટે ભારે અવરોધરૂપ બનશે. એના કરતાં વધુ ચિંતાની વાત દવાઓની આયાત પર 200 ટકા જકાત નાખવાની ટ્રમ્પની ધમકી છે. ભારત અમેરિકાને વર્ષે 9 અબજ ડોલરની દવાઓ નિકાસ કરે છે જે તેની દવાઓની કુલ નિકાસના 37 ટકા જેટલી છે. જો અમેરિકા ખરેખર 200 ટકા જકાત નાખે તો ભારતીય દવાઓની સ્પર્ધાત્મકતા ઘસાઈ જાય. ભાવ ઘટાડે તો તેમનો નફો સંકડાઈ જાય જે પાતળા નફે કામ કરતી નાની કંપનીઓને પોસાય નહીં. આપણી દવાઓ અન્યત્ર પણ જાય છે પણ અમેરિકા જેવી કસદાર બજાર ગુમાવવી કોને ગમે?
ટ્રમ્પે
બ્રિક્સ સંગઠનને અમેરિકાવિરોધી ગણાવ્યું છે અને ધમકી આપી છે કે વૈકલ્પિક ચલણ અથવા સ્થાનિક
ચલણમાં પતાવટ દ્વારા ડોલરનું સ્થાન નબળું પાડવાનો પ્રયાસ કરશો તો તમારા બધા ઉપર 10
ટકા જકાત નાખીશ. આટલું ઓછું હોય તેમ ટ્રમ્પના નજીકના સાથી સેનેટર લિન્ડસે ગ્રેહામે
એક ખરડો રજૂ કર્યો છે જેમાં રશિયાનું તેલ ખરીદનારા દેશો (મુખ્યત્વે ભારત અને ચીન) પર
500 ટકા જકાત નાખવાનો પ્રસ્તાવ છે. ટ્રમ્પની દરમિયાનગીરી છતાં પુતિન યુદ્ધ બંધ કરવા
તૈયાર નથી એટલે ટ્રમ્પ ખીજાયા છે. તે રશિયાની તેલની કમાણી બંધ કરવા માગે છે. ટ્રમ્પે
કહ્યું છે કે આ જકાત વિશેનો આખરી નિર્ણય મારા
હાથમાં છે.
ભારતે
આ બધી ધમકીઓ વિષે જાહેરમાં કઈં પણ કહેવાનું ટાળ્યું છે. તેને આશા છે કે 1 ઓગષ્ટ સુધીમાં
અમેરિકા સાથે મર્યાદિત વેપાર સમજૂતી થઇ જશે અને તેમાં આ બાબતોનો પણ નિવેડો આવી જશે.
ટ્રમ્પે જે દેશોને પત્રો મોકલાવ્યા છે તેમાં ભારતનો સમાવેશ થતો નથી. ચીનને ખાળવા માટે
અમેરિકાને ભારતનો ખપ છે. મોદી સરકાર રાષ્ટ્રહિતને આગળ રાખીને સ્વતંત્ર વિદેશનીતિને અનુસરે છે તેનાથી ટ્રમ્પ નારાજ છે.
તેમને કહ્યાગરું ઓજાર જોઈએ છે, ખાનદાન પણ ખુદ્દાર સાથી નહિ. ભારતે વેપાર સમજૂતીના વિવિધ
મુદ્દાઓ વિષે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી દીધી છે અને નિર્ણય લેવાનું અમેરિકા પર છોડ્યું
છે. પરંતુ ટ્રમ્પ હજી ભારતને દબાવવાના નવા
નવા રસ્તા શોધી રહ્યા છે. જકાત વિષે જાતજાતની જાહેરાતો કરીને તે ભારત પર દબાણ લાવવાનો
તખતો તૈયાર કરી રહ્યા છે. ભારતે અમેરિકા સામે મક્કમ રહીને અન્ય દેશો સાથે સહકાર વધારવો
રહ્યો.