• બુધવાર, 24 જૂન, 2026

મોંઘવારીની મિસાઈલ

યુદ્ધખોર દેશો ફરી મંડાયા છે. માર્ચ માસથી આરપારની લડાઈથી શરૂ થયેલી બરબાદી હજી જાણે ઈઝરાયલ - ઈરાનને દેખાતી ન હોય તેમ ફરી યુદ્ધની શરૂઆત થઈ, ભારતે પોતાના નાગરિકોને સલામત રીતે પરત ફરી જવા પણ કહ્યું. યુદ્ધ જાણે આ દેશનો સ્થાયીભાવ થઈ રહ્યો છે. એક તરફ રક્તપાત છે તો બીજી બાજુ વધતી મોંઘવારીથી પ્રજાના બ્લડપ્રેશર વધી રહ્યા છે. ભારત આ યુદ્ધમાં પ્રત્યક્ષ-પરોક્ષ ક્યાંય નથી પરંતુ ઈંધણ માટેનું વિશ્વના અન્ય દેશોની જેમ ભારતનું પણ અવલંબન પરેશાન કરી રહ્યું છે. મોંઘવારી નહીં વધે તેવા અનુમાન ખોટાં પડી રહ્યા છે. દેશના અર્થતંત્રથી લઈને મધ્યમવર્ગના ઘરના રસોડાં સુધી તેની અસર પહોંચી છે.

છૂટક ફુગાવાનો દર, જેને અર્થશાસ્ત્રીઓ ઈંગ્લીશ ભાષામાં રીટેઈલ મોંઘવારી તરીકે ઓળખે છે તે 3.48 નોંધાયો છે. ખાદ્ય ચીજોની કિંમતોનો વધારો 4.20 ટકાએ પહોંચ્યો છે. શાકભાજી, અનાજ-કઠોળની કિંમત પણ વધી છે તેનું કારણ યુદ્ધ છે. રાંધણગેસ 29 રૂપિયા મોંઘો થઈ ગયો છે. જેની અસર ભોજનની થાળી ઉપર પડશે, બહાર જમતા લોકોને પણ સમસ્યા થશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના કર્મચારીઓને તો મોંઘવારી ભથ્થું પણ મળે, તેમાં વૃદ્ધિ થાય પરંતુ નિજી ક્ષેત્રે કામ કરતા લોકો, મધ્યમ વર્ગને પણ ભાવવધારો તો સરખો જ નડે અને તેમની આવક તરત વધતી હોતી નથી. જે મોંઘવારી વધી છે, વધવાની શક્યતા છે તેના મૂળમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલો વધારો જ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમત પ્રતિબેરલ 110 ડોલર થઈ ગઈ છે. માર્ચથી ખોટનો ડામ ખમી રહેલી ઓઈલ કંપનીઓએ મે માસમાં ઉત્તરોત્તર ભાવ વધારો કર્યો હતો. જેને લીધે ટ્રાન્સપોર્ટના દરમાં 4.15 ટકાનો વધારો મે માસ દરમિયાન થયો હોવો જોઈએ, જેનો ખ્યાલ હવે આવશે. વાતાવરણને લીધે પણ શાકભાજી મોંઘાં છે અને તેમાં આ પરિવહનની પળોજણ છે. સદનસીબે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજદર સ્થિર રાખ્યા હોવાથી લોન મોંઘી થઈ નથી. ઈંધણના ભાવ જો હજી નિયંત્રણની બહાર જશે તો સ્થિતિ વણસવાની સંભાવના પૂરતી છે. કરકસર અત્યારે સૌથી મોટું હથિયાર છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર વિશ્વ વ્યાપી બની રહી છે. ક્યારેક લેબેનોનની વાત વચ્ચે આવી જાય ક્યારેક અણુ કાર્યક્રમનો મુદ્દો પુન: સળવળે. જ્યાં યુદ્ધ ચાલે છે ત્યાં માનવ સુરક્ષિત નથી, અન્ય દેશોમાં નાગરિકો આર્થિક અસલામતી અનુભવવા લાગ્યા છે. વૈશ્વિક મંદીનું દુ:સ્વપ્ન સાચું ન પડે તો સારૂં.

ઇ-પેપરના નવા શુલ્ક