• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

‘કબર ખોદવા’નો જવાબ

બજેટ સત્રના આરંભમાં રાષ્ટ્રપતિજીએ કરેલા મંગળ પ્રવચન બદલ આભાર માનતા પ્રસ્તાવની ચર્ચાનો જવાબ વડા પ્રધાન લોકસભામાં આપી શક્યા નહીં પણ રાજ્યસભામાં એમણે વિપક્ષ - વિશેષ કરીને કૉંગ્રેસ અને ‘યુવરાજ’ને બરાબર આડે હાથ લીધા. શરૂઆતમાં વિશ્વમાં ભારતનું સ્થાન-માન વધી રહ્યું છે અને વિકસિત ભારતમાં યુવાવર્ગ માટે ‘અવસર જ અવસર’ હશે એમ કહીને ઉજ્જવળ ભવિષ્ય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો. અમેરિકી પ્રમુખે ટેરિફમાં ઘટાડો કર્યા પછી ભારતીય અર્થતંત્રના વિકાસ અને વિકસિત ભારતના નિર્માણ માટેનો વિશ્વાસ એમના ભાષણમાં ઝળકતો હતો.

વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસના નેતાઓને જબરદસ્ત લપડાક મારી છે. લોકસભામાં કાર્યવાહી ઠપ કરવામાં કૉંગ્રેસને સફળતા મળી હતી પણ રાજ્યસભામાં થોડી ધાંધલ મચાવીને સભાત્યાગ કરી ગયા હોવાથી વડા પ્રધાનના ચાબખા સાંભળવા હાજર નહોતા અને વડા પ્રધાને પણ કટાક્ષમાં કૉંગ્રેસનો આભાર માન્યો કે રાજ્યસભામાં જવાબ આપી શકયા!

લોકોનું અપમાન કરવાની આદત જ નહીં, કૉંગ્રેસનો સ્વભાવ છે એમ કહીને મોદીએ ઉમેર્યું કે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું. સંવિધાનનું પણ અપમાન કર્યું. કૉંગ્રેસ હવે સંવિધાનનું નામ લઈ શકે નહીં. રાષ્ટ્રપતિના મંગળ પ્રવચન બદલ આભાર માનતા ઠરાવની ચર્ચા પણ થાય નહીં તેથી મોટું અપમાન કયું હોય?

લોકસભામાં અધ્યક્ષ સ્થાને બેઠેલા આસામના સભ્ય બેઠા ત્યારે એમનું અપમાન અને આંધ્રના મહિલા દલિત સભ્યનું પણ અપમાન કર્યું છે. આસામના ભૂપેન્દ્ર હઝારિકાને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ ત્યારે પણ વિરોધ થયો હતો!

કૉંગ્રેસના ‘યુવરાજ’ માને છે કે રાજગાદી એમના પરિવારની માલિકી છે! યુવરાજે એક સંસદસભ્યને ‘ગદ્દાર’ કહીને અપમાનિત કર્યા તેની પાછળ કૉંગ્રેસની નફરતની નીતિ છે. શીખ સંસદસભ્યે કૉંગ્રેસનો ત્યાગ કર્યો હોવાથી રાહુલ ગાંધીએ એમને ગદ્દાર કહ્યા પણ મોદીએ ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કર્યા વિના કૉંગ્રેસની જૂની નફરત છે એમ કહ્યું ત્યારે સૌ સમજી ગયા કે નફરત જૂની છે!

કૉંગ્રેસે વડા પ્રધાનની કબર ખોદવાનાં સૂત્રો પોકાર્યાં છે તેની મજાક ઉડાવતાં મોદીએ કહ્યું કે કબર કદી ખોદી નહીં શકો કારણ કે દેશવાસી મહિલાઓ - માતાઓનું કવચ અભેદ છે. ‘કબર ખોદવા’ પાછળની નફરતનાં કારણોમાં વડા પ્રધાને સરકારની સિદ્ધિઓ ગણાવી.

ગાંધી પરિવારને ‘ચોરી’ની જૂની આદત છે. ‘ગાંધી’ ઓળખ પણ ચોરી છે - મહાત્મા ગાંધીની ઓળખ ચોરી છે! એમ કહીને પ્રહાર કર્યા છે.

-------------

ઇ-પેપરના નવા શુલ્ક