• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

સંસદની કાર્યવાહી ફરી ધાંધલમાં અટવાઇ; સવાલ ગરિમા જાળવવાનો

ભારત વિશ્વનું સમૃદ્ધ અને સજીવ લોકતંત્ર ધરાવે છે. આપણી પાસે લોકતંત્રના સંસ્કાર પણ છે અને મધર ઓફ ડેમોક્રેટ્સના રૂપમાં ગૌરવશાળી પરંપરા છે. સંસદ ભવન લોકતંત્રનું મંદિર કહેવાય છે, પણ છેલ્લા બે દિવસ દરમ્યાન લોકસભાના બજેટસત્રમાં રાષ્ટ્રપતિનાં સંબોધન બદલ આભાર માનતા પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન જે જોવા મળ્યું એ દેશના બૌદ્ધિકવર્ગને ખિન્ન કરનારું છે. સંસદના મંચ પર તંદુરસ્ત ચર્ચા થવી જોઇએ... દેશના વિભિન્ન વિસ્તારના મુદ્દા રજૂ થાય અને એનો સરકાર તરફથી ખુલાસોય થાય. કમનસીબે અત્યારના માહોલમાં રાજનીતિ સૌથી વધુ પ્રભાવક પરિબળ બની ગઇ છે.

વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ચર્ચા દરમ્યાન લશ્કરના પૂર્વ વડા જનરલ એમ. એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ?ડેસ્ટિની’ના લખાણને ટાંકીને લદ્દાખમાં ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો એ પછી બે દિવસથી ગૃહમાં ધાંધલધમાલ મચી છે. રાહુલ અને વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે, ગૃહમાં તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે, પણ લોકસભામાં સ્પીકર અને વરિષ્ઠ મંત્રીઓનું સ્પષ્ટ કહેવું છે કે, રાહુલ સંસદના નિયમથી ઉપરવટ જઇ રહ્યા છે. નિયમાવલિ મુજબ કોઇ પુસ્તક કે અખબારમાં પ્રસિદ્ધ બાબત ઉપર ગૃહમાં ચર્ચા જ નથી થઇ શકતી. વળી, રાહુલ તો જનરલ નરવણેના એ પુસ્તકનો સહારો લેવા માગે છે, જે બૂક સ્વરૂપે અસ્તિત્વમાં જ નથી આવ્યું. આ લખાય છે ત્યારે બીજા દિવસે વધુ ધાંધલધમાલ થઇ. કોંગ્રેસી સભ્યોએ કાગળના ટુકડા અધ્યક્ષ તરફ ફેંક્યા અને આઠ સાંસદને આખા બજેટ સત્રની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ગૃહમંત્રી અમિત શાહે અપ્રકાશિત પુસ્તકનો હવાલો આપવાની વાતનો વિરોધ કર્યો એ ખરેખર યોગ્ય છે, તો બીજીતરફ એક પ્રતિષ્ઠિત સૈન્ય અધિકારીના અનુભવોને આધારે સરકારની નીતિ અને નિર્ણયો સામે ઉઠાવાયેલા સવાલને સાંભળવા પણ લોકશાહીમાં સરકારની જવાબદારી છ,ઁ એવો વિપક્ષનો તર્ક પણ યોગ્ય છે. અખિલેશ યાદવે પણ ચીન સાથે જોડાયેલો મામલો દેશની સલામતીને લગતો છે અને તેના પર ચર્ચા થવી જોઇએ એવું કહ્યું છે.

ખરેખર તો સાચી સમસ્યા માહિતી લેવાના સ્રોતની પ્રામાણિકતાની આવે. મુદ્દાની ગંભીરતા તો છે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વારંવાર નિયમોનો સંદર્ભ ટાંકીને રાહુલને સંયમમાં રહેવાની સલાહ આપી. વિપક્ષી નેતા હોવાને નાતે ગૃહમાં જે તથ્ય મૂકાય તે નિર્વિવાદ અને આધિકારિક હોય એ જોવાની વધુ જવાબદારી રાહુલ ગાંધીની છે. પ્રિયંકા ગાંધીનો ઉલ્લેખ કરીને અધ્યક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો કે, તથ્ય પ્રામાણિક હોય તો તેને પટલ પર રાખવાની કોઇ સીમા નથી હોતી. ચીનની ઘૂસણખોરી, રેજાંગ લા : રેચિન લાની ઘટનાએ અને 2020ના તાણભર્યા સંજોગો દેશ અગાઉ પણ જોઇ ચૂક્યો છે. એવા સંજોગો કોઇ નિવેદન એના અને સરકાર વચ્ચેના સંવાદો માટે શંકા-કુશંકા પેદા કરે તો તેનો પ્રભાવ રાજનીતિ ઉપરાંત કૂટનીતિ અને રણનીતિમાં પણ પડી શકે છે. આ કારણે જ સત્તાપક્ષ એવો આગ્રહ રાખે છે કે, આ પ્રકારની વાતો સાર્વજનિક મંચ પર કહેવાથી તે પહેલાં તેની સંપૂર્ણ ખરાઇ થવી જોઇએ. સરકારનો પક્ષ પણ સમજી શકાય છે. અગ્નિવીર યોજના સંદર્ભે નરવણેના વિચારોનો ઉલ્લેખ પણ વિવાદનો મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે, પણ શું આવા દાવા આધિકારિક રીતે ઉપલબ્ધ છે કે માત્ર લીક થયેલા અંશો અને લેખો પર આધારિત છે, એવો સવાલ ઊઠવો સ્વાભાવિક છે. સંસદમાં ચર્ચા ભાવનાત્મક નહીં પણ તથ્ય આધારિત હોવી જોઇએ.

ઇ-પેપરના નવા શુલ્ક