સૌરાષ્ટ્રના વનવિસ્તારની આસપાસ આવેલાં ગામ-કસબાઓમાં માનવીઓ ઉપર પ્રાણીઓના હુમલાનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં સિંહણે કે દીપડાએ હુમલો કર્યા હોવાના બનાવ નોંધાયા છે. ચિંતાની સ્થિતિ છે. ગિરની આસપાસના ગામમાં રહેતા, ખેતરમાં કામ કરતા લોકોમાં સામાન્ય રીતે પ્રાણીનો ડર હોતો નથી પરંતુ હમણા ફરી હુમલાના બનાવ વધતાં સાવચેતીની સ્થિતિ બધે દેખાઈ રહી છે. જો કે આ સ્થિતિનો કોઈ સીધો ઉકેલ તો નથી. છતાં વનવિભાગ, ગ્રામ પંચાયતો, રેવન્યુ વિભાગ સહિતનાએ સહિયારા પ્રયાસો કરવા રહ્યા. આ પ્રકારના બનાવના કારણો પણ અનેક છે અને તે મોટા ભાગે જૂના છે, ઉકેલાય તેવા ઓછાં છે.
ધારીના
ત્રુબુકપુર ગામે એક વર્ષની બાળકીને માતાની નજર સામે ઉઠાવી ગયો. વહાલી દીકરીને બચાવવા
માતાએ દોટ પણ મૂકી પરંતુ તે શક્ય બન્યું નહોતું. બગસરાના હામાપુર ગામે એક બાળકને સિંહે
ફાડી ખાધો હતો. ખાંભા તાલુકાના ગીદરડી ગામે યુવાન ઉપર સિંહે હુમલો કર્યો. આ બધી ઘટના
છેલ્લા એક સપ્તાહની છે. વનવિભાગ આવા સિંહ કે દીપડાને પાંજરે પૂરે છે પરંતુ તે કાયમી
ઉકેલ નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ઉના તાલુકાના ગીર ગઢડા ગામે સિંહના ટોળાં ફરતા હોવાના
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. ભવનાથ વિસ્તારમાં પણ સિંહણ દેખાઈ તેવા વીડિયો છે,
જો કે તે હમણાના છે કે જૂના તે નક્કી થતું નથી
પરંતુ સિંહ માનવ રહેઠાણના વિસ્તારમાં વધારે પ્રમાણમાં આવ્યા છે તે નક્કી છે.
માણસ
ઉપર દીપડા તો હુમલો કરે તેમાં નવાઈ નથી. સિંહ પણ હુમલો કરે તે થોડી જુદી સ્થિતિ છે.
2018ના અરસામાં સિંહો માનવભક્ષી બન્યા હોવાની શક્યતાઓ દેખાઈ હતી. આવા સિંહને પકડી,
રેસ્ક્યૂ સેન્ટરમાં નાખી દેવાયા હતા. સિંહ કે અન્ય હિંસક પ્રાણી માનવી ઉપર હુમલા કરે
તેના અનેક કારણ હોય છે. જો બાળક હોય અને તે પગે ચાલવાને બદલે હાથનો ટેકો લઈને ભાંખોડિયાં
ભરતું હોય, રીખતું હોય તો પ્રાણીને વહેમ પડે છે કે આ બકરીનું બચ્ચું હશે અને તેના ઉપર
હુમલો થાય છે. ખેતર-વાડી કે ઘરના ફળિયામાં ઊંઘી રહેલા માણસ ઉપર પણ સિંહ-દીપડા ત્રાટકે
છે.
ગ્રામ્ય
વિસ્તારમાં વસતા, જંગલની આસપાસ જેમના ઘર છે ત્યાં રહેતા લોકોએ જાગૃત રહેવું તે ઉપાય
છે પરંતુ પ્રાણી ક્યારે ત્રાટકશે તે નક્કી થોડું હોય? વનવિભાગ પણ જંગલની અંદર સ્થિતિ
સંભાળે, સિંહને બહાર નીકળતા કેમ રોકે, જે વાત અવારનવાર કહેવાય છે તેનું પુનરાવર્તન
કરવું પડે કે જંગલની અંદર હોટેલ-રીસોર્ટના ચણતર ઓછાં કરવાં પડે. વાહનોની અવરજવર ઉપર
નિયંત્રણ ચુસ્ત રીતે મૂકવું પડે. સિંહ જંગલની બહાર નીકળી જાય છે, દીપડા શહેરોની નજીક
આવી જાય છે તે આના કારણે. જો કે આ તમામ બાબતો જૂની છે. હુમલા પણ નવી બાબત નથી. નિષ્ણાતો
કહે છે આ પ્રાણીઓની વર્તણૂકમાં કોઈ પરિવર્તન નથી. સામાન્ય બાબત છે. સાવચેતી સિવાય અહીં
કોઈ ઉપાય નથી.