ત્રણ મહિના પહેલાં ટિયાનજિનમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મૈત્રી જોઈ પશ્ચિમી દેશોના શાસકોના પેટમાં તેલ રેડાયું હતું. જોકે, છેલ્લા ત્રણ મહિનામાં સમીકરણોમાં થયેલા ફેરફારો અને પરિસ્થિતિમાં આવેલા તાનપલટાને કારણે આગામી દિવસોમાં પુતિનની ભારત મુલાકાત દરમિયાન મૉસ્કો અને નવી દિલ્હી વચ્ચેની હૂંફ અને મિત્રાચારમાં વધારા-ઘટાડા પર વિશ્વની નજર રહેશે. હાલ ભારત-અમેરિકા વેપાર સોદાની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે જેમાં ટ્રમ્પે ફટકારેલા તાતિંગ ટેરિફમાં રાહતની આશા છે, તો બીજી તરફ યુરોપિયન યુનિયન સાથેના ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને પણ અંતિમ સ્વરૂપ અપાવાની શક્યતા છે. આવામાં પુતિનની મુલાકાત ભારત માટે સંતુલન જાળવવાની ક્વાયત સાથે સંબંધોમાં સંવર્ધન અને વિશ્વ માટે શાંતિની અપેક્ષાસભર રહેશે.
પુતિનની
આગામી મુલાકાત ભારત અને રશિયાને દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની,
વિશિષ્ટ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો દૃષ્ટિકોણ તથા સહિયારાં હિતના
ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ વિશે અભિપ્રાયોની આપ-લે માટેની તક પૂરી પાડશે, આ શબ્દોમાં
ભારતે આ મુલાકાતને વર્ણવી છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત
મુલાકાતમાં અનેક મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર
થવાના છે અને બંને દેશો વચ્ચે દાયકાઓના સહકારને આગળ વધારતી વાટાઘાટો થશે. જોકે, છેલ્લા
એક દાયકામાં ભારતે 30 બિલિયન ડૉલરની અમેરિકન બનાવટની સંરક્ષણ સામગ્રી ખરીદી છે અને
હવે આ ક્ષેત્રે આત્મનિર્ભરતા પર દૃષ્ટિ છે. હાલમાં જ અૉપરેશન સિંદૂર દરમિયાન અસરદાર
સાબિત થયેલી એસ-400 સરફેસ-ટુ-ઍર મિસાઇલ સિસ્ટમનો વધારાનો જથ્થો મેળવવા ભારત આતુર છે,
પણ તેમાં થઈ રહેલા વિલંબ અને અન્ય સંરક્ષણ સામગ્રીનો અટકી પડેલો પ્રવાહ ફરી શરૂ કરવા
અંગે આ મુલાકાત દરમિયાન ચર્ચા અને નિરાકરણ આવે એવી આશા છે. યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવા
માટે વિશ્વના બધા જ ટોચના નેતાઓએ પુતિનને વિનંતી કરી છે અને વડા પ્રધાન મોદી પણ યુદ્ધના
અંતના હિમાયતી છે, પણ ધાર્યું કરવા જાણીતા પુતિને કોઈને આ બાબતમાં કાઠું આપ્યું નથી.
છેલ્લે પુતિન ડિસેમ્બર, 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા અને એ પછી યુક્રેન સાથેના
યુદ્ધનું મંડાણ થયું હતું. હવે આ વખતની મુલાકાત બાદ આ યુદ્ધનો અંત આવે એવી આશા સેવાય
છે, એમાં ભારતની કોઈ ભૂમિકા હશે તો એ મોદી અને ભારતની બહુ મોટી ઉપલબ્ધિ હશે.