• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

લાલોની સફળતા : અંતિમ પડાવ કે નવી શરૂઆત?

ગુજરાતી સિનેમાના ક્ષેત્રે અત્યંત ઉત્સાહ અને આનંદ બહારથી દેખાઈ રહ્યો છે. સામાન્ય સ્તરે મોટા પડદે રજૂ થયેલી ફિલ્મ લાલો અસામાન્ય લોકપ્રિયતા પામીને અસમાન્ય રીતે સફળ થઈ રહી છે. કલાકારોના, ફિલ્મના વધામણા ગુજરાતમાં થઈ રહ્યા છે. આ પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ છે જેની કમાણી બોક્સ ઓફિસ ઉપર 100 કરોડે આંબી ગઈ છે તેવો દાવો છે. સાહિત્ય કે સિનેમા કે કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રે આ દ્વંદ્વ વર્ષોથી ચાલે છે કે લોકપ્રિયતા કોઈ સર્જનની સફળતાનો માપદંડ નથી. વધારે વંચાય, વેચાય કે જોવાય તે શ્રેષ્ઠ તેવું ન હોય. સાહિત્યિક, સિનેમેટિક મૂલ્યો અલગ અને લોકપ્રિયતા અલગ. આ ચર્ચા જો કે અલગ છે. લાલો કે જંગી કમાણી કરતી કોઈ પણ ફિલ્મ કે સર્જનાત્મક કૃતિ લોકસ્વીકૃતિ પામી છે તે કબૂલવું પડે.

ગુજરાતી સિનેમાક્ષેત્રે આ રળિયામણી ઘડી છે. ફિલ્મ પ્રાંતીયભાષામાં પોતાના જ પ્રાંતમાં રજૂ થઈ છે છતાં તે મહતમ લોકો સુધી પહોંચી છે. પ્રાંતીય ભાષાની ફિલ્મોને રિપીટ ઓડિયન્સ મળવાની શક્યતા ઓછી હોય. ગ્રામ્ય પરિવેશની ફિલ્મ-શહેરી પરિવેશની ફિલ્મ એવી અનેક માન્યતા લોકપ્રિયતાના આ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ. ગુજરાતી સિનેમાના ક્ષેત્રે આ મહત્ત્વની ઘટના છે. એક વાત છે કે દર્શકો-જનતાએ ફિલ્મને વખાણી તેની સરખામણીમાં આ ક્ષેત્રના સિનિયર કલાકારો, ફિલ્મવાર્તા લેખકો, દિગ્દર્શકોએ તેને વખાણવાનો ઉત્સાહ કેમ ઓછો બતાવ્યો છે તે અગત્યનો સવાલ છે.  લાલો ફિલ્મની કમાણી, લોપ્રિયતાની ચર્ચા છે. 1932માં બનેલી ફિલ્મ ‘નરસિંહ મહેતા’થી શરૂ કરીને આજ સુધીની અનેક ગુજરાતી ફિલ્મો એવી છે જે ઉત્તમ કૃતિ ગણી શકાય. કાન્તિ રાઠોડની ‘કંકુ’, ઉપેન્દ્ર ત્રિવેદીની ‘ઝેર તો પીધાં જાણી જાણી’, કેતન મહેતાની ‘ભવની ભવાઈ’, નવા કાળમાં રાહુલ ‘ભોલે’- વિનિત કનોજિયાની ‘રેવા’, અભિષેક શાહની ‘હેલ્લારો’ અને કમઠાણ પરેશ નાયકની ‘ધાડ’, વિપુલ મહેતાની ‘ચાલ જીવી લઈ’એ સહિતની ફિલ્મો નોંધપાત્ર રહી. આ ફિલ્મો ફિલ્મના વ્યાકરણ-મેકિંગની દૃષ્ટિએ સારી હતી છતાં તેની કમાણી આટલી ગંજાવર નહોતી. ‘લાલો’ની સિદ્ધિ એ છે કે હૃદયના ધબકાર ચૂકી જવાય તેવી થ્રીલ, રોમેન્ટિક લવસ્ટોરી, જાતીયતાના દૃશ્યો, મારામારી જેવા લોકપ્રિય સિનેમાના તત્ત્વો ન હોવા છતાં તે ફિલ્મ સફળ રહી છે કારણ એ છે કે સરેરાશ સામાન્ય માણસો જે ઈચ્છે છે, જે તેમના મનમાં છે તે ફિલ્મની કથામાં છે.

ફિલ્મ નિર્માણ કે સર્જન, કથા-પટકથા સહિતની બાબતોની ચર્ચા ચાલતી રહેશે. હવે પ્રશ્ન એ છે કે આટલી લોકપ્રિયતા પછી ગુજરાતી સિનેક્ષેત્ર સંતોષ માનશે કે આને નવી શરૂઆત ગણશે, આ ફિલ્મની કથા અને આ પ્રથા લોકપ્રિય થઈ એટલે સૌ કોઈ આ મારગે ચાલશે કે પછી સાહિત્યકૃતિઓ ઉપરથી ગુજરાતીમાં ફિલ્મ બનાવવાની પરંપરા વેગ પકડશે, ફિલ્મ કરોડોની કમાણી કરે તે તેની લોકપ્રિયતા, તેની સામાજિક સ્વીકૃતિનો માપદંડ છે અને છે જ પરંતુ તે સફળ નિર્માણ છે. સર્જન અલગ બાબત છે. લાલોની ટીમને અભિનંદન, સૌરાષ્ટ્રવાસીઓને વિશેષ આનંદ થાય કારણ કે તેમાં પડદા ઉપર જૂનાગઢ છે અને જામનગર નિવાસી અભિનેત્રી રીવા રાચ્છ છે. બન્ને પડદા ઉપર પ્રશંસનીય રીતે પ્રસ્થાપિત થયા છે. છતાં ગુજરાતી ફિલ્મકારોએ હજી ઘણું કરવાનું છે. સંગીત, ગીતોથી લઈને કથાતત્વ અને અભિનય બાબતે ઘણી શક્યતાઓ અને અવકાશ છે જ. લાલો ગુજરાતી ફિલ્મક્ષેત્ર માટે અંતિમલક્ષ્ય નહીં પરંતુ નોન્મેષ બની રહે તે દર્શકો, કલાકારોના હિતમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક