સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય તે પૂર્વે જ તે કેવું રહેશે તેની આગાહી થવા લાગી હતી. હજી તો એક દિવસ થયો છે અને સંસદમાં શું થશે તેના અણસાર મળવા લાગ્યા છે. ચૂંટણી સુધારા, ‘એસઆઈઆર’ જેવા મુદ્દે વિપક્ષ ગરમ છે. અલબત્ત એક ખરડો પસાર થઈ ગયો છે પરંતુ ચર્ચા તેના પર જે રીતે થવી જોઈએ તે રીતે થઈ નહીં તે અફસોસ છે. અત્યંત અગત્યની વાત તો એ છે કે વિશ્વના સૌથી મોટાં એવા આ લોકતંત્રની સંસદના સત્રારંભે વડાપ્રધાને એવો અનુરોધ કરવો પડે, ટકોર કરવી પડે કે ‘અહીં ડ્રામા નહીં ચાલે, ડિલિવર કરવું પડશે.’
સંસદના
સત્રની શરૂઆત જ ધાંધલ-ધમાલથી થઈ. મતદાર યાદીના પુન: નિરીક્ષણ ‘એસઆઈઆર’ સૌથી અગત્યનો
મુદ્દો રહ્યો. વિપક્ષની માગ છે કે બિહાર પછી
અન્ય જે રાજ્યોમાં ‘એસઆઈઆર’ની પ્રક્રિયા થઈ રહી છે તેની ચર્ચા સદનમાં થાય. માની લઈએ
કે સરકાર તેના માટે સંમત થાય, ચર્ચા કરે પણ ખરી પરંતુ જે પ્રશ્નોના જવાબ ચૂંટણીપંચે
આપવાના છે તેના જવાબ સંસદમાં સત્તાવાર રીતે કેન્દ્ર સરકાર કે કોઈ મંત્રી કેવી રીતે
આપી શકે એસઆઈઆર ચૂંટણીપંચની પ્રક્રિયા છે. સત્તાવાર નિર્ણય અને ઉત્તરદાયિત્વ તો એના
જ રહે. પંચે સુપ્રીમ કોર્ટને આ જવાબો આપી દીધા છે. જ્યારે જ્યારે રાજકીય પક્ષો સાથે
ચર્ચા કરવાની થાય ત્યારે પણ તેણે કરી છે.
‘એસઆઈઆર’
કે અન્ય કોઈ પણ બાબતે પ્રશ્ન કરવાનો, વાંધા ઊઠાવવાનો અધિકાર વિપક્ષને છે પરંતુ સંસદની
કાર્યવાહી ખોરવીને આવો વાંધો ઉઠી શકે નહીં. પહેલા બન્ને દિવસ સંસદમાં ધમાલમાં પૂર્ણ
થયા. સંચારસાથી એપ હોય કે ‘એસઆઈઆર’ કે અન્ય કોઈ મુદ્દો હોય આખરે સંસદીય પ્રક્રિયા તેના
મૂળ સ્વરુપે ચાલવી જોઈએ. પ્રજાના પ્રશ્નો, દેશના સંચાલન માટે આ ગૃહો છે.
પહેલી
ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર વચ્ચે ચાલનારાં આ સત્રમાં 1પ દિવસની કાર્યવાહી દરમ્યાન શિક્ષણ,
માર્ગો સહિતના વિષયો પર ખરડા રજૂ થવાના છે. આની સાથોસાથ કોર્પોરેટ કાયદાને લગતો તથા
હેલ્થ સિક્યુરિટી એન્ડ નેશનલ સિક્યુરિટી સેસ બિલ-202પ પણ સંસદનાં આ સત્રમાં રજૂ થવાનું
છે. આ ખરડાનો ઉદ્દેશ દેશનાં આરોગ્ય માળખાં અને સલામતીની સજ્જતા માટે નવો સેસ લગાવવાનો
છે. આ તમામ ખરડા ભારે મહત્ત્વના છે અને તેના પર ઝીણવટભરી ચર્ચા અનિવાર્ય છે.
આમ
તો સરકારે પરંપરા મુજબ સત્રના આરંભ પહેલાં એક સર્વપક્ષીય બેઠક બોલાવીને સંસદની કાર્યવાહી
અંગે સંમતિ સાધવાનો વ્યાયામ કર્યો હતો. બેઠકમાં વિપક્ષી નેતાઓએ સત્તાવાર રીતે પોતાનું વલણ દર્શાવ્યું હતું કે,
તેઓ રાષ્ટ્રીય સલામતી, એસઆઈઆર, વાયુ પ્રદૂષણ અને વિદેશનીતિના મામલે ગૃહમાં ચર્ચા ઈચ્છે
છે, તો સંસદીય મંત્રી કિરન રિજ્જુએ વિપક્ષી સભ્યોએ સંસદ ચાલવા ન દેવાની કોઈ વાત ન કરી
હોવાની માહિતી આપી હતી. સરકાર અને વિપક્ષ પોતપોતાની રીતે ચર્ચા થાય તેમ ઈચ્છે છે, તો
વિપક્ષી નેતઓ રજનું ગજ કરીને સરકારની ઉપર તવાઈ આણીને રાજકીય લાભ લેવાની કોઈ તક જતી
કરવા માગતા નથી.
લોકસભા
કે રાજ્યસભામાં ખરડા, તેના ઉપર ચર્ચા, અગત્યના નિયમોની ચર્ચા અપેક્ષિત છે. તેને રાજકીય
સમરાંગણ બનવા દેવાય નહીં. ત્યાં સમન્વય હોવો જોઈએ. વડાપ્રધાને જે કહ્યું છે તે યોગ્ય
છે, નારાબાજીનું આ સ્થળ નથી. કોઈ પણ ખરડો ચર્ચા વગર પસાર થઈ જાય તે સંસદીય પ્રક્રિયા
માટે શુભ સંકેત નથી. જો એવું જ કરવાનું હોય તો સંસદના સત્ર બોલાવવાનું ઔચિત્ય જ પૂર્ણ
થઈ જશે. સંસદનું આ સત્ર હજી શરૂ થયું છે. બે દિવસ વિત્યા છે. વિપક્ષ અગત્યના મુદ્દે
ભલે સ્વસ્થ ચર્ચા કરે પરંતુ વિધેયક ચર્ચા વગર પસાર થઈ જવાની પરંપરા અહીંથી જ રોકાવી
જોઈએ.