વર્ષ 202પ-26 દરમિયાન ભારતનો વિકાસદર 7.4 ટકા જેટલો વધશે એવા અંદાજને મહાત કરીને બીજા ત્રિમાસિક સમયગાળાના વિકાસદરે 8.2 ટકાનો વધારો નોંધાવીને ભારતીય અર્થતંત્રની મજબૂતીનો પરચો દુનિયાને કરાવી આપ્યો છે. 8.2 ટકાનો જીડીપીમાં વધારો અત્યાર સુધીના છ ત્રિમાસિક સમયગાળામાં સૌથી વધુ નોંધાયો છે. દેશના અર્થતંત્રને મૃત જાહેર કરવામાં અગ્રેસર રહેલા વિપક્ષોના આકરા અને વાસ્તવિક જવાબ સમાન આ નમૂનારૂપ વધારાએ ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર હોવાની વધુ એક વખત સાબિતી કરી આપી છે.
ઉલ્લેખનીય
છે કે, ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન જીડીપી પ.6 ટકા રહ્યો હતો. આ ઉત્સાહજનક દેખાવની
પાછળ બાંધકામ અને નાણાકીય ક્ષેત્રમાં હાંસલ થયેલી હરણફાળ છે, સાથોસાથ ગ્રામીણ ક્ષેત્રોમાં
વધી જતી માગ અને સરકારી ખર્ચમાં વધારાએ આ વિકાસદરમાં પાયાની ભૂમિકા ભજવી છે. આ બધા હકારાત્મક સંજોગોમાં મોંઘવારીના નીચા દરે
પણ વિકાસમાં યોગદાન આપ્યું છે. આમ આ બધા વિકાસલક્ષી પરિમાણોએ જીડીપીના દરને ઉચ્ચ સ્તરે
પહોંચાડયો છે. બાંધકામ અને માળખાકીય ક્ષેત્રમાં આ સમયગાળા દરમિયાન 8.1 ટકાનો વિકાસદર
નોંધાયો છે. બહુ ઓછા અર્થશાત્રીઓનું ધ્યાન ગયું છે કે, દેશના નિકાસના શિપમેન્ટમાં આવેલી
ઝડપે પણ વિકાસદરમાં યોગદાન આપ્યું છે. અમેરિકાના ટેરિફના ઓછાયા છતાં દેશના નિકાસમાં
8.8 ટકાનો વધારો થયો છે. આ વધારો એકદમ ભારે
હોવાની હકીકત ગયા વર્ષના આંકડાની સરખામણી પરથી છતી થાય છે.