• રવિવાર, 08 નવેમ્બર, 2026

સીમા જોયા વિના અમેરિકા પર હુમલો કરીશું ! ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો પણ પડકાર

તહેરાન, તા. 7 : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. ઈરાની સેનાએ અમેરિકાને ચેતવણી આપી છે કે, જો વાશિંગ્ટન ફરી હુમલો કરશે, તો દુનિયાના કોઈ પણ વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવશે. ઈરાનનો દાવો છે કે, ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી તેની સૈન્ય ક્ષમતા વધી છે અને હવે તેની સેના પહેલાં કરતાં વધુ મજબૂત છે.

ઈરાની સેનાના પ્રવક્તા મોહમ્મદ અકરમિનિયાએ શનિવારે આ ચેતવણી આપી હતી. સર્વોચ્ચ નેતા મુજતબા ખોમેનીના આદેશ પર ઈરાની સેનાનો જવાબ તાત્કાલિક અને અસરકારક હશે. અમેરિકાના સૈન્ય મથકો મધ્ય પૂર્વની બહાર હશે 

તો પણ તેમને નિશાન બનાવવામાં આવશે.

અકરમિનિયાએ કહ્યું કે, અમેરિકા અને ઇઝરાયલ સાથેના સીધા સંઘર્ષમાંથી ઈરાની સેનાએ અનુભવ મેળવ્યો છે. હવે સેનાની સતર્કતા, પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસ વધ્યાં છે. તેમણે હોર્મુઝની ખાડી અંગે કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસન ઈરાનની સાત શરત સ્વીકારશે તો જ આ દરિયાઈ માર્ગ ફરી ખોલવામાં આવશે.

ઈરાનની ચેતવણી વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પહેલાં કરતાં વધુ હથિયારોનું ઉત્પાદન કરી રહ્યું છે. જો જરૂર પડશે તો ઈરાન સામે વધુ સૈન્ય કાર્યવાહી કરવા માટે અમેરિકા સંપૂર્ણ તૈયાર છે. જો કે, તેમણે હજુ હુમલા અંગે અંતિમ નિર્ણય લીધો નથી. ટ્રમ્પે એવો દાવો પણ કર્યો કે, જો તેમણે ઈરાનને પરમાણુ હથિયાર વિકસાવતાં રોક્યું ન હોત તો ઇઝરાયલ અને સમગ્ર મધ્ય પૂર્વનું અસ્તિત્વ જોખમમાં હોત.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે, અમેરિકી સેનાએ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી મર્યાદિત હુમલા કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાનના એન્ટી-એરક્રાફ્ટ ડિફેન્સ ઉપકરણને 5થી 15 મિનિટમાં નષ્ટ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, ઈરાની મીડિયાએ કેશમ ટાપુના સુઝા વિસ્તારમાં બે વિસ્ફોટ થયાના અહેવાલ આપ્યા હતા.

સૈન્ય તણાવ વચ્ચે બંને દેશ વચ્ચે સમજૂતીના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. અહેવાલ મુજબ, અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ નવા યુદ્ધવિરામ અને પરમાણુ મંત્રણા ફરી શરૂ કરાવવા પરોક્ષ વાતચીતમાં સામેલ છે. ઈરાન કતર દ્વારા રજૂ કરાયેલા પરમાણુ કાર્યક્રમ સંબંધિત પ્રસ્તાવો પર પણ વિચાર કરી રહ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક