• શનિવાર, 07 નવેમ્બર, 2026

સૌરાષ્ટ્રના શહેરોથી ગામડાઓ સુધી દિવાળીની રોનક, બજારો ઝગમગી બજારોમાં ગ્રાહકો ઉમટી પડતા વેપારીઓમાં ઉત્સાહ

મહાપર્વને આવકારવા ખરીદીથી લઈને પ્રવાસ સુધીની તૈયારીઓ પૂરજોશમાં

રજાઓનો પ્રારંભ થતાં ઓફિસો-કચેરીઓમાં શાંતિ છવાશે

શહેરોના માર્ગો અને હાઈવે પર વાહનોનો ધસારો

રાજકોટ,તા.6 : પ્રકાશના પર્વ દિવાળી અને નૂતન વર્ષના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહેતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સવનો માહોલ જામ્યો છે. શહેરોથી લઈને ગામડાંઓ સુધી બજારોમાં ખરીદીનો ધમધમાટ, ઘરોમાં સાફસફાઈ અને સજાવટની તૈયારીઓ જોવા મળી રહી છે. ઓનલાઈન ખરીદીનો ક્રેઝ પણ જોર પકડી રહ્યો છે. તહેવાર બાદ મળનારી લાંબી રજાઓને લઈને લોકો વતન અને પ્રવાસન સ્થળોએ જવાનું આયોજન કરી રહ્યા હોવાથી આગામી દિવસોમાં માર્ગો પર પણ ભારે ભીડ જોવા મળશે. દિવાળીના પર્વને આવકારવા સૌરાષ્ટ્રમાં ખરીદીથી લઈને પ્રવાસ સુધીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રોશની, ઉમંગ અને સ્નેહના સંગમ સાથે સમગ્ર પ્રદેશ તહેવારની ઉજવણી માટે સજ્જ બન્યો છે.

દિવાળીની ખરીદી માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની બજારોમાં ગ્રાહકોની ચહલપહલ વધી છે. કપડાં, મીઠાઈ-ફરસાણ, ફટાકડા, દીવડા,  રંગોળી અને ઘર સજાવટની વસ્તુઓની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વેપારીઓએ પણ વેરાયટી અને આકર્ષક સજાવટ સાથે ગ્રાહકોને આવકારવાની તૈયારીઓ કરી છે. પરંપરાગત ખરીદીની સાથે મોબાઈલ દ્વારા ઘરબેઠાં વસ્તુઓ મંગાવવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે.

તહેવારના દિવસો નજીક આવતાં સગાં-સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ વચ્ચે શુભેચ્છાઓની આપ-લે શરૂ થઈ ગઈ છે. મીઠાઈ અને ભેટ-સોગાદો સાથે એકબીજાના ઘરે જવાની પરંપરાથી શેરીઓમાં આનંદ અને લાગણીસભર માહોલ જોવા મળી રહ્યો છે. તા. 8થી રજાઓનો માહોલ શરૂ થતાં સરકારી-ખાનગી ઓફિસો અને કચેરીઓ સુમસાન થશે. અનેક પરિવારો વતન જવા તેમજ પરિવાર સાથે ફરવા નીકળવાનું આયોજન કરી રહ્યા છે. પરિણામે સૌરાષ્ટ્રનાં ધાર્મિક સ્થળો, દરિયાકિનારા અને જાણીતા પ્રવાસન કેન્દ્રો પર પ્રવાસીઓનો ધસારો વધવાની શક્યતા છે.

ખરીદી માટે નીકળતા લોકો અને વતન તરફ પ્રયાણ કરતા વાહનોને કારણે શહેરોના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક વધી રહ્યો છે. રાજકોટના પ્રવેશદ્વારો સહિતના માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. દિવાળીની રજાઓ દરમિયાન હાઈવે પર પણ વાહનોનો ધસારો વધતાં કેટલીક જગ્યાએ ટ્રાફિકજામ અને વાહનોના થપ્પા સર્જાવાની શક્યતા છે.

ઇ-પેપરના નવા શુલ્ક