ગામના પૂર સંરક્ષણ માટે મંજૂર
થયેલી દીવાલ પોતાના ખેતરના રક્ષણ માટે બનાવી હોવાનો આક્ષેપ
પોરબંદર, તા.6 : પોરબંદર નજીકના
રાણાબોરડી ગામમાં પૂર સંરક્ષણ દીવાલના કામમાં થયેલી ગેરરીતિ મામલે અંતે પૂર્વ સરપંચ
દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાણાવાવ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ
અધિકારી કરશન વીસાભાઈ ઓડેદરાની ફરિયાદના આધારે રાણાવાવ પોલીસે પૂર્વ સરપંચ સાંગા જીવા
મોરી અને પૂર્વ સરપંચ લક્ષ્મીબેન સાંગા મોરી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, વર્ષ 2014-15માં
ગામમાં 428.45 મીટર લાંબી પૂર સંરક્ષણ દીવાલ બનાવવા માટે રૂ. 26,16,351નું કામ મંજૂર
કરવામાં આવ્યું હતું. મંજૂર નકશા અને સાઇટ પ્લાન મુજબ દીવાલનું કામ રેલવેના ગરનાળા
પાસેથી શરૂ કરી અગાઉનાં કામ સાથે જોડવાનું નક્કી હતું. જોકે, આક્ષેપ છે કે નિયત સ્થળે
કામ કરવાને બદલે વોકળાના કાંઠે પોતાના ખેતરની ફરતે દીવાલ બનાવી અંગત લાભ મેળવવામાં
આવ્યો હતો. બંનેએ જાહેર સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન એકબીજાને મદદ કરી સરકારી નાણાંની
ગેરરીતિ આચરી હતી. આ મામલે મિશન માતૃભૂમિના
હરીશ રાવતે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી. લાંબી તપાસ બાદ સાંગા
જીવાને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. તેમના ખુલાસા સંતોષકારક ન જણાતાં
પોલીસ ફરિયાદ કરવાનો હુકમ થયો હતો. સંયુક્ત તપાસ અહેવાલ મુજબ, દીવાલના ખોટા સ્થળને
કારણે ગામને પૂરથી સુરક્ષા મળી નથી. ચોમાસામાં વરસાદી પાણી ગામમાં ઘૂસે છે અને પાણીના
ટાંકા ફરતેની કમ્પાઉન્ડ વોલ પણ તૂટી ગઈ છે. અહેવાલમાં દીવાલની જગ્યાએ માત્ર સરપંચનું
ખેતર હોવાનું પણ નોંધાયું છે.