(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.7:
અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ઝડપાયેલા રૂ.55.50 લાખના મેફેડ્રોન (એમ.ડી) ડ્રગ્સ કેસમાં
નરોડા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટના સૂત્રધાર અને
માસ્ટરમાઈન્ડ એવા નાઈઝિરિયન આરોપી ચાર્લિસ ઉર્ફે ફ્રેન્ક ઓફુડીલને આઇ.પી એડ્રેસના ટેક્નિકલ
સર્વેલન્સ આધારે કેરળથી ઝડપી લીધો છે.
ગત
તા.17 સપ્ટેમ્બરે 1,850 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે કુરિયર બોય નિખિલેશ ક્રિષ્નપ્પાની
ધરપકડ કરાયા બાદ, મેઘાલય સરહદેથી રિસીવર વિશાલ સીમલાચની પણ અટકાયત કરવામાં આવી હતી.
આ ઘટના બાદ સૂત્રધાર બેંગ્લોર છોડીને કેરળ ભાગી છૂટ્યો હતો, પરંતુ પોલીસે તેને ટ્રેસ
કરીને દબોચી લીધો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી વર્ષ 2019માં બિઝનેસ વિઝા
પર ભારત આવી દિલ્હી રોકાયો હતો અને ચંડીગઢના સપ્લાયરો સાથે મળી ગેરકાયદે નેટવર્ક ઊભું
કર્યું હતું. વર્ષ 2021થી બેંગ્લોર સ્થાયી થઈને કુરિયર મારફતે ડ્રગ્સ સપ્લાય કરતા આ
આરોપી સામે 2022માં કેરળમાં પણ એન.ડી.પી.એસ.નો ગુનો નોંધાયેલો છે. હાલમાં તેના વિઝાની
મુદત પૂર્ણ થઈ ચૂકી હોવાથી ઈમિગ્રેશન વિભાગ સાથે મળી પોલીસ તેના દિલ્હી અને ચંડીગઢના
આંતરરાષ્ટ્રીય તાર અંગે વધુ તપાસ ચલાવી રહી છે.