અલ્લાહૂ અકબર અને પાકિસ્તાન-ખાલિસ્તાન સમર્થિત ઈ-મેઇલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ; તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળતા રાહત
(ફૂલછાબ
ન્યુઝ)
અમદાવાદ,
વેરાવળ, તા.21: ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ચોથી વખત બોમ્બ ધડાકાની ધમકીનો ઈ-મેઇલ
મળતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સોમનાથ મંદિર, ગાંધીનગરના કોબા ખાતે આવેલા
ભાજપના કમલમ કાર્યાલય અને અમદાવાદના ખાનપુર સ્થિત જૂના ભાજપ કાર્યાલયને બોમ્બથી ઉડાવી
દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઈ-મેઇલમાં અન્ય મહત્વના સ્થળોને પણ નિશાન બનાવવાની
વાત કરવામાં આવી હતી.
ધમકીભર્યા
ઈ-મેઇલમાં અલ્લાહૂ અકબર સહિતના લખાણો હોવાની માહિતી સામે આવી છે. ઈ-મેઇલ મળ્યા બાદ
પોલીસ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સંબંધિત સ્થળોએ પહોંચી
હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી
કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
પોલીસ
સૂત્રોના જણાવ્યા મુજબ, સવારે આશરે 9 વાગ્યે ગાંધીનગર સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરો તરફથી
ખાનપુર સ્થિત ભાજપના સેન્ટ્રલ કાર્યાલયને બોમ્બની ધમકી અંગે ઇનપુટ મળ્યો હતો. ત્યારબાદ
બીડીએસની ટીમે સમગ્ર પરિસરની તપાસ કરી હતી. તપાસ બાદ હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાનું
જણાવાયું છે. સોમનાથ મંદિર અને કોબા સ્થિત કમલમ કાર્યાલયની સુરક્ષા પણ વધારી દેવામાં
આવી છે.
સોમનાથ
મંદિરની સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ બે લેયરમાં ગોઠવાયેલી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું
છે. ધમકીભર્યા ઈ-મેઈલને પગલે આ વ્યવસ્થાને યથાવત રાખીને સુરક્ષા કર્મચારીઓ દ્વારા વધુ
સાવચેતી સાથે કામગીરી કરવામાં આવી રહી છે. મંદિર પરિસરમાં આવતા-જતા લોકો, સંવેદનશીલ
સ્થળો તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં
રાખીને બીડીડીએસ (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ), ડોગ સ્ક્વોડ અને કયુઆરટી
સહિતની ટીમો દ્વારા સઘન ચાકિંગ હાથ ધરાયું છે. સોમનાથ મંદિર ખાતે હાલની સ્થિતિ અંગે
ડીવાયએસપી મહાદેવ ચૌધરીએ જણાવ્યું હતું કે મંદિરની સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ બે લેયરમાં
છે. હાલ સુરક્ષામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ ધમકીના પગલે સતર્કતા વધારીને
જરૂરી ચાકિંગ કરવામાં આવી રહ્યું છે. અર્થાત્, ધમકી બાદ સોમનાથમાં સુરક્ષા વ્યવસ્થાનું
માળખું બદલાયું નથી, પરંતુ સુરક્ષા કર્મચારીઓ દ્વારા દરેક સંભવિત પાસા પર વધુ બારીક
નજર રાખવામાં આવી રહી છે.
પોલીસના
ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઈ-મેઇલ અગાઉ પંજાબના પોલીસ વડાને મળ્યો હતો અને ત્યારબાદ
તેમણે ગુજરાતના પોલીસ મહાનિર્દેશકને ફોરવર્ડ કર્યો હતો. ઈ-મેઇલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલ, ભાજપના વિવિધ કાર્યાલયો, પોલીસકર્મીઓ અને રૉને નિશાન બનાવવાની ધમકી હોવાનો પણ
ઉલ્લેખ છે. સાથે જ સંવેદનશીલ સ્થળોએ બોમ્બ ગોઠવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો
હતો.
ઈ-મેઇલમાં
ઉશ્કેરણીજનક શબ્દો ઉપરાંત પાકિસ્તાન અને ખાલિસ્તાનને સમર્થન આપતું લખાણ હોવાની માહિતી
પણ સામે આવી છે. જોકે, આ તમામ દાવાઓની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.