દેશના મોટા પાંચ એરપોર્ટે લાગુ થશે ડિજી યાત્રા સિસ્ટમ
નવી
દિલ્હી, તા. 21 : એરપોર્ટ ઉપર લાંબી લાઈન અને પ્રક્રિયાથી બચવા માટે સરકાર ડિજી યાત્રા
મારફતે બોર્ડિંગને સરળ બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. જેના હેઠળ ઓક્ટોબરથી ડિસેમ્બર
સુધી દેશના મોટા એરપોર્ટસ ઉપર ડિજી યાત્રાનું પરીક્ષણ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ ઘરેલુ
યાત્રીઓ ઉપરાંત હવે આંતરરાષ્ટ્રીય ડિપાર્ચર માટે પણ ડિજી યાત્રાની સુવિધા શરૂ કરવામાં
આવશે. જેની શરૂઆત દિલ્હી, મુંબઈ, બેંગલોર, કોચ્ચિ અને હૈદરાબાદ એરપોર્ટથી થશે. દિલ્હી
અને મુંબઈમાં સૌથી પહેલા લાગુ કરવામાં આવી શકે છે.
જાણકારી
મુજબ પહેલા ડિપાર્ચર તરફ જ યાત્રીઓને ડિજી યાત્રીની સુવિધા મળશે. ઓછી સંવેદનશીલ જગ્યાઓ
જેમ કે ટર્મિનલ એન્ટ્રી, સિક્યોરિટી, બોર્ડિંગ ગેટ ઉપર તેનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે
ઈમિગ્રેશન કાઉન્ટર ઉપર પહેલાની જેમ જ પ્રક્રિયા અપનાવવામાં આવશે. તેમાં કોઈ બદલાવ કરવામાં
આવશે નહી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના કહેવા પ્રમાણે ઘરેલુ ઉડાનોમાં આધારનો ઉપયોગ કરવામાં
આવશે જ્યારે આંતરરાષ્ટ્રીય ફલાઈટ માટે ઈ પાસપોર્ટ મારફતે બોર્ડિંગ પ્રક્રિયા પુરી કરવામાં
આવશે.
જેની
પાસે ઈ પાસપોર્ટ હશે તે પહેલા પેજને સ્કેન કરશે અને ફોન મારફતે તેમાં લાગેલી ચીપને
રીડ કરશે ત્યારબાદ યાત્રીનું ડિજિટલ ક્રેડેન્શિયલ બનાવવા માટે સેલ્ફી સાથે ચિપમાં સ્ટોર
ફોટોગ્રાફને મેચ કરવામાં આવશે. બાદમાં આઈડેન્ટિટી વેલિડેશન પુરૂ થશે. ડિજી યાત્રા મારફતે
બોર્ડિંગ માટે પહેલા એપ ડાઉનલોડ કરવી પડશે અને તેમાં આધાર તેમજ અન્ય ઈ પાસપોર્ટ ડિટેલ
જમા કરવી પડશે. આ સાથે જ એરપોર્ટે વારંવાર આઈડી બતાવવાની જરૂર પડશે નહી.