• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

યુદ્ધથી લઈને ટેરિફ યુદ્ધની ચિંતા ઃ બ્રિક્સ સંયુક્ત ઘોષણાપત્ર

- સર્વાનુમતે બ્રિક્સ ઘોષણાપત્રને સ્વીકૃતિઃ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા ભારતને મળ્યો ચીનનો પણ સાથ

ઊર્જા સલામતીથી લઈને એઆઈ સુધીનાં મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિતઃ ગિફ્ટ સિટીમાં બ્રિક્સ રિસ્ક લેબ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ

 

 

નવી દિલ્હી, તા.12 રાજધાની દિલ્હીમાં ભારત મંડપમમાં આજે યોજાયેલા બ્રિક્સ શિખર સંમેલનમાં ભારત અને મોદી સરકારને ખુબ મોટી કૂટનીતિક સફળતા મળી છે. પરિષદમાં નવીદિલ્હી ઘોષણાપત્ર ઉપર સર્વસહમતી સાધવામાં સફળતા મળી હતી અને તમામ સદસ્ય દેશોએ તેનાં ઉપર હસ્તાક્ષર કર્યા હતાં. ઘોષણાપત્રમાં મુખ્ય ધ્યાન નવીનીકરણીય ઊર્જા સહયોગ, ટેરિફ જેવા એકતરફી વેપારી અવરોધો, આતંકવાદ અને વૈશ્વિક વિવાદો વાતચીતથી ઉકેલવા ઉપર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉપરાંત બ્રિક્સ દેશોએ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને આમાં ચીને પણ ભારતને સમર્થન આપ્યું છે. સંયુક્ત ઘોષણાપત્રમાં બ્રિક્સ નેતાઓએ પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તનાવ ઉપર ઘેરી ચિંતા પ્રગટ કરી છે અને કોઈપણ દેશનું નામ લીધા વિના સંયમ વર્તવાની અપીલ કરતાં કહ્યું હતું કે, સ્થિતિ વધુ વણસે તેવા પગલા ટાળવા જોઈએ.

આજે જારી કરવામાં આવેલા વિસ્તૃત ઘોષણાપત્રમાં વૈશ્વિક શાસન, પશ્ચિમ ઐશિયા, વેપારી, ટેકનોલોજી, નાણાકીય સહયોગ, આતંકવાદ અને મહિલાઓની ભાગીદારી સહિતનાં મુદ્દાઓ ઉપર સામૂહિક વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બ્રિક્સ દેશોએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ફેંસલાઓમાં ગ્લોબલ સાઉથનાં અવાજને વધુ મહત્વ મળવું જોઈએ. સંયુક્તરાષ્ટ્રનાં શીર્ષ નેતૃત્વમાં બહેતર ભૌગોલિક સંતુલન અને વ્યાપક પ્રતિનિધિત્વની માગણી પણ કરવામાં આવી હતી.

બ્રિક્સ દેશોએ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરતાં કહ્યું છે કે, કોઈપણ આતંકવાદી ગતિવિધિની આકરી નિંદા કરવામાં આવે છે. હેતુ કોઈપણ હોવા છતાં તેને અપરાધિક અને અનુચિત માનવામાં આવે છે. આતંકવાદનાં કોઈપણ સ્વરૂપ સામે લડવા માટે વચનબદ્ધતા દોહરાવવામાં આવે છે.

અમેરિકા અને ઈરાનનાં યુદ્ધનાં હિસાબે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તનાવ મુદ્દે આમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ પક્ષોને આમાં સંયમ વર્તવાની અપીલ કરવામાં આવે છે. બ્રિક્સ દેશોએ કહ્યું છે કે, સ્થાયી શાંતિ અને સ્થિરતાનો રસ્તો કેવળ સંવાદ અને કૂટનીતિથી નીકળી શકે છે. સાથે નાગરિકોમ, મહત્ત્વનાં બુનિયાદી ઢાંચા, દેશોની સંપ્રભુતા અને અખંડતાનાં સન્માન ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

ઉપરાંત શાંતિપૂર્ણ પરમાણુ માળખા ઉપરનાં હુમલા અને પરમાણુ સુરક્ષા સાથે જોડાયેલા ખતરા ઉપર પણ ઘોષણાપત્રમાં ચિંતા દર્શાવવામાં આવી છે. તમામ બ્રિક્સ દેશોએ પરમાણુ નિશત્રીકરણ, હથિયાર નિયંત્રણ અને અપ્રસારનાં પ્રયાસોને મજબૂત કરવાની આવશ્યકતા દેખાડી હતી.

ગાઝામાં યુદ્ધવિરામ જાળવી રાખવા, માનવીય સહાયતા અવરોધ વિના પહોંચતી કરવા અને નાગરિકો ઉપર હુમલા રોકવાની માગણી આમાં કરવામાં આવી છે. બ્રિક્સે પેલેસ્ટાઈનનાં નાગરિકોનાં બળજબરીથી વિસ્થાપનનો વિરોધ પણ કર્યો છે અને કહ્યું હતું કે, આવા કોઈ ભૌગોલિક બદલાવ સ્વીકાર્ય નથી.

બ્રિક્સે વિશ્વ વ્યાપાર સંગઠન(ડબલ્યૂટીઓ)માં સુધારા અને તેનાં વિવાદ પતાવટ તંત્રને ફરીથી પ્રભાવી બનાવવા માટે સમર્થન જાહેર કર્યુ છે. ઉપરાંત એક તરફી ટેરિફ, વેપારી પ્રતિબંધો અને સંરક્ષણવાદી નીતિઓ સામે પણ ગંભીર ચિંતા પ્રગટ કરવામાં આવી છે. બ્રિક્સ સદસ્ય દેશો દ્વારા ઈરાન અને ઈથિયોપિયાની ડબલ્યૂટીઓ સદસ્યતા માટે દાવેદારીને પણ સમર્થન જાહેર કર્યુ છે. સાથે વેપારી ઘર્ષણ વચ્ચે કારોબાર, પુરવઠા શ્રૃંખલા અને ઉર્જા આપૂર્તિને સુરક્ષિણ જાળવી રાખવાની આવશ્યકતા ઉપર પણ ભાર મૂકવામાં આવયો છે.

ઘોષણાપત્રમાં સાયબર સુરક્ષા, એઆઈ અને ક્વોંટમ ટેકનોલોજીમાં સહયોગ વધારવાની વાત પણ કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાતનાં ગિફ્ટ સિટીમાં બ્રિક્સ રિસ્ક લેબ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ પણ આમાં સામેલ હતો. બ્રિક્સે મહિલાઓની ભૂમિકા વિસ્તારવા સાથે શાંતિ અને સ્થિર વિકાસનાં પ્રયાસો મજબૂત બનવાની આશા પણ દર્શાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક