• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

આજે વિમેન્સ એશિયા કપનો ફાઇનલ: ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા વચ્ચે રમાશે

8મી વખત ચેમ્પિયન બનવા ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરશે

નવી દિલ્હી, તા.12 : વિમેન્સ ઝ20 એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાની નજર ગત ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા પર રહેશે. જોકે, શ્રીલંકાની ટીમનું શાનદાર ફોર્મ અને દુબઈની ધીમી પીચ જોતાં ભારત માટે આ ટાઇટલ મેચ સરળ નહીં હોય.

આ વખતે વિમેન્સ એશિયા કપની 10મી સીઝન રમાઈ રહી છે. જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વિમેન્સ એશિયા કપ 2026નો ફાઇનલ મુકાબલો 13 સપ્ટેમ્બર એટલે કે રવિવારે રમાશે. વિમેન્સ એશિયા કપના ઈતિહાસમાં આ 7મી વખત હશે જ્યારે ટાઇટલ જીતવા માટે ભારત અને શ્રીલંકાની ટીમ સામસામે ટકરાશે. આ પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 6 વખત ફાઇનલ મુકાબલા રમાઈ ચૂક્યા છે, જેમાં ટીમ ઇન્ડિયાનું પલડું ભારે રહ્યું છે, ભારતે 5 વખત જીત મેળવી છે. નોંધનીય છે કે, સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને અને શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

વિમેન્સ એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી અને અગાઉની 9 સીઝનમાંથી ભારત 7 વખત ચેમ્પિયન બની ચૂક્યું છે જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમો એક-એક વખત ચેમ્પિયન બની છે. ભારતે વર્ષ 2004, 2005-06, 2006, 2008, 2012, 2016 અને 2022માં ચેમ્પિયન બનવાની સિદ્ધિ પોતાનાં નામે કરી હતી.

નોંધનીય છે કે, વર્ષ 2024માં રમાયેલી વિમેન્સ એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. ભારતે પ્રથમ બાટિંગ કરતા 6 વિકેટે 165 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમે 8 બોલ બાકી રહેતા જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 43 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે હર્ષિતા સમરવિક્રમાએ 69 રન ફટકાર્યા હતા. જોકે, ત્યારબાદ વર્ષ 2025ના અંતમાં શ્રીલંકાએ 5 મેચની ઝ20 સિરીઝ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. જેમાં ભારતીય ટીમે જોરદાર વાપસી કરતા સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક