• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 5 : અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં આવેલા એક સ્પાના રિસેપ્શનિસ્ટ પાસેથી રૂ. 6 લાખનું 212.9 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા રિસેપ્શન પર બેસતા 23 વર્ષીય લીલારામ ચૌધરીની ધરપકડ કરાઈ છે, જે મૂળ રાજસ્થાનનો છે જ્યારે ડ્રગ્સ સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના જાસોલ ગામના રહેવાસી રમેશ માળી પાસેથી ડ્રગ્સ લાવતો હતો.

મળતી માહિતી પ્રમાણે, એસપી રિંગ રોડ પર આવેલા ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં આવેલી દુકાન નંબર 101માં સ્પા ચલાવવામાં આવે છે. ત્યાં રિસેપ્શન કાઉન્ટર પરથી મૂળ રાજસ્થાનનો રહેવાસી લીલારામ ચૌધરી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. આ મામલે પોલીસે બે મોબાઇલ અને એક ડિજિટલ વજન કાંટા સહિત કુલ 6.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સ્પાના રિસેપ્શન પર બેસતો લીલારામ ચૌધરી એમડી ડ્રગ્સની હેરાફેરી કરે છે અને વેચે છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંદાજે 7.30 વાગ્યાના અરસામાં બાતમીને આધારે દરોડો પાડયો હતો અને તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટનાસ્થળે લીલારામના ખિસ્સામાંથી ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક