• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ બેનાં મૃત્યુ, મૃત્યુઆંક 13 પર પહોંચ્યો

મહીસાગરના યુવક સહિત બે પીડિતોએ સારવાર દરમિયાન દમ તોડÎ

નકલી દારૂના મુખ્ય આરોપીના ઠેકાણે જખઈનો દરોડો; સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ

ભાવનગર, તા.23 ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી સર્જાયેલી દુર્ઘટનામાં વધુ બે પીડિતોના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના 35 વર્ષીય મુકેશ ડામોરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓ ભાવનગરની ખાનગી કંપનીમાં હિટાચી મશીન ઓપરેટર તરીકે કામ કરતા હતા. મુકેશ ડામોરે 18 ઓગસ્ટે મિત્ર સાથે દારૂ પીધા બાદ તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અવસાનથી મહિનાનો પુત્ર અને બે વર્ષની પુત્રી પિતાની છત્રછાયા વિહોણાં બન્યાં છે. ઉપરાંત, કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવભાઈ ઉપાધ્યાયનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાથી મૃતકોના પરિવારોમાં ભારે આક્રોશ ફેલાયો છે. પરિવારજનોએ દારૂબંધી હોવા છતાં ઝેરી દારૂનું વેચાણ કેવી રીતે થયું તે અંગે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

લઠ્ઠાકાંડ બાદ સ્ટેટ મોનિટારિંગ સેલે નકલી દારૂના ગેરકાયદે કારોબાર સામે કાર્યવાહી તેજ કરી છે. તપાસના ભાગરૂપે એસએમસીની ટીમે વરતેજ નજીકના આંબાવાડી  વિસ્તારમાં દરોડો પાડી મુખ્ય આરોપી ગણાતા ગૌતમ સોલંકીના નિવાસસ્થાને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. એસએમસી હવે નકલી દારૂના સમગ્ર નેટવર્ક, તેમાં સંકળાયેલા લોકો અને અન્ય જવાબદારો સુધી પહોંચવા સઘન તપાસ કરી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક