• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

પોરબંદરના તમામ નેશનલ હાઇ વે પર દબાણ હટાવો અભિયાન હાથ ધરાશે

નેશનલ હાઇવે ઓથોરિટી કડક અમલીકરણ કાર્યવાહીની તા.24થી કરશે શરૂઆત

પોરબંદર, તા.22: પોરબંદર જિલ્લા આવેલા તમામ નેશનલ હાઇ વે પર દબાણ હટાવો અભિયાન યોજવામાં આવશે અને તેનો ખર્ચ પણ દબાણકાર પાસેથી વસૂલવામાં આવશે.

જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 અને 51 પર ગેરકાયદે દબાણો, અનધિકૃત પ્રવેશ માર્ગો તથા ગેરકાયદે મીડિયન ગેપ સામે નેશનલ હાઇ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું કડક અમલીકરણ અભિયાન શરૂ થયું છે.

નેશનલ હાઇ વે ઓથોરિટીએ જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લાના તમામ નાગરિકો, વેપારીઓ, હોટેલ સંચાલકો, પેટ્રોલ પંપ સંચાલકો, ઔદ્યોગિક એકમો તેમજ અન્ય મિલકત ધારકોને નેશનલ હાઇ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કડક સૂચના છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 અને 51ની રાઇટ ઓફ વે (રો)માં આવેલા તમામ અનધિકૃત દબાણો, ગેરકાયદે બાંધકામો, મંજૂરી વિના બનાવવામાં આવેલા પ્રવેશ માર્ગો (અનઓથોરાઇઝ્ડ એસેસ), અનધિકૃત મીડિયન ગેપ (મીડિયન ઓપનિંગ) તથા અન્ય અવરોધો તાત્કાલિક દૂર કરવામાં આવે. સંબંધિત વ્યક્તિઓને આ અંગે અગાઉ પણ નિયમોનુસાર નોટિસો આપવામાં આવી ચૂકી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં અનધિકૃત દબાણો તથા અવરોધો દૂર કરવામાં નહીં આવે તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નિયમોનુસાર કડક અમલીકરણ કાયર્યવાહી હાથ ધરવામાં આવશે. સોમવાર તા.24થી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પી.આઇ.યુ. રાજકોટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રના સહયોગથી પોરબંદર જિલ્લામાં વિશેષ અમલીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક