• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ખંભાળિયાના વાડીનાર ગામે જમીન રેકર્ડ કૌભાંડ : બે તલાટીઓ સામે ગુનો દાખલ

રેવન્યુ રેકર્ડમાં ડમી પાના ઘુસાડી જમીનના હક્કો સાથે ચેડાં કરાયા

 

ખંભાળિયા,તા.23: દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સરકારી રેવન્યુ રેકર્ડ સાથે ગંભીર છેડછાડ કરી બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનું મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે. આ પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકા વિકાસ અધિકારી નવીનચંદ્ર લાખાભાઈ બેડિયાવદરા દ્વારા વાડીનાર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષ 2003-04 અને 2004-05 દરમિયાન વાડીનાર ગામે ફરજ બજાવતા તત્કાલીન તલાટી કમ મંત્રી બી. એન. વાઘેલા તથા સુરેશ એમ. મોટાણી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી ગામ નમૂના નં. 7/12 ના હસ્તલિખિત સરકારી દફતરમાં ડમી અને ખોટા પાના ઊભા કરવામાં આવ્યા હતા. આરોપીઓએ જૂના રેવન્યુ સર્વે નંબર 170 પૈકી તથા 172 પૈકીના મૂળ રેકર્ડ અને ફેરફારી નોંધોમાં ગેરરીતિ આચરતા, જૂના સર્વે નંબરોમાંથી નવા સર્વે નં. 91, 210 અને 211 દર્શાવી ગામ નમૂના નં. 7/12 ના ખોટા ડમી પાના તૈયાર કર્યા હતા.

જાહેર સેવક તરીકેના પદનો દુરુપયોગ કરી જમીનના હક્ક-હિસ્સા, માલિકી અને અન્ય વ્યવહારોમાં છેતરાપિંડી આચરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અથવા ગંભીર બેદરકારી દાખવી આ બનાવટી પાના ઉમેરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે વાડીનાર પોલીસે બંને તત્કાલીન નિવૃત્ત તલાટીઓ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આગળની સઘન અને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. આ પ્રકારના રેકર્ડ સાથેના ચેડાંથી સ્થાનિક સ્તરે જમીન માલિકો અને વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક