• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

કેન્દ્ર સરકારમાં 21 ટકા કર્મચારીની ઘટ

રક્ષા, રેલવેથી લઈને વડાપ્રધાન કાર્યાલય સહિતનાં વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી આરટીઆઈમાં બહાર આવેલી વિગતો

નવીદિલ્હી,તા.23 કેન્દ્ર સરકાર આશરે 21 ટકા જેટલા કર્મચારીઓની ઘટ સાથે કામ કરી રહી છે. માહિતી અધિકાર હેઠળ મેળવવામાં આવેલી જાણકારીમાં બહાર આવ્યું છે કે, કેન્દ્ર સરકારનાં વિવિધ વિભાગોમાં 8.23 લાખ પદો ખાલી પડÎાં છે. જેમાં સંરક્ષણ, રેલવે, ગૃહ મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલય સહિતનાં મહત્વનાં અને ચાવીરૂપ ક્ષેત્ર અને વિભાગમાં પણ કર્મચારીઓની નોંધપાત્ર ઘટ છે.

મધ્ય પ્રદેશના નીમચના માહિતી અધિકાર કાર્યકર ચંદ્ર શેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલી રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઈ) અરજીમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. આંકડાઓ દર્શાવે છે કે કેન્દ્ર સરકાર હેઠળના દર પાંચમાંથી એકથી વધુ મંજૂર પદ પર કોઈ કર્મચારી નિયુક્ત નથી.

1 માર્ચ, 2024 સુધીના આંકડાઓ અનુસાર, કેન્દ્ર સરકારના વિભાગોમાં કુલ 39,23,212 મંજૂર પદો હતાં પરંતુ તેની સામે માત્ર 30,99,556 કર્મચારીઓ કાર્યરત હતા. રીતે કુલ 8,23,656 (જુઓ પાનું 10)

પદો (લગભગ 21 ટકા) ખાલી પડ્યા છે. આંકડામાં જાહેર ક્ષેત્રની બેંકો અને પીએસયુની ખાલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

ટોચની કચેરીઓની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ સચિવાલયમાં મંજૂર 803 પદોમાંથી 287 પદો (35.74 ટકા) ખાલી છે. જ્યારે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં 441 મંજૂર પદોની સામે 126 પદો (28.57 ટકા) ખાલી છે. રક્ષા મંત્રાલયની સિવિલિયન વિંગમાં 5,56,248 પદોમાંથી 2,42,243 પદો (43.5 ટકા) ખાલી છે. બીજી તરફ, રેલવેમાં 14,79,701 મંજૂર પદોની સામે 2,40,125 પદો ખાલી છે. માત્ર બંને વિભાગોમાં કુલ ખાલી પદોના અડધાથી વધુ એટલે કે 4.82 લાખ પદો ખાલી છે. દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી સંભાળતા ગૃહ મંત્રાલયમાં 11,18,233 મંજૂર પદોમાંથી 1,10,885 પદો ખાલી છે. જ્યારે પોસ્ટ વિભાગમાં 61,546 પદો, મહેસૂલ વિભાગમાં 69,662 પદો (39 ટકા) ખાલી છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 34 ટકા (1,855 પદો) અને પશુપાલન તથા ડેરી વિભાગમાં 58 ટકા (1,378 પદો) જગ્યાઓ ખાલી છે. પર્યાવરણ મંત્રાલયમાં 38 ટકા અને શ્રમ તથા રોજગાર મંત્રાલયમાં 41 ટકાથી વધુ પદો ખાલી પડ્યા છે. ઉપરાંત, પરમાણુ ઊર્જા વિભાગમાં 10,234 અને અવકાશ વિભાગમાં 4,126 પદો ખાલી છે. આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત ક્ષેત્રોમાં પણ હજારો પદો કર્મચારીઓ વિના ચાલી રહ્યા છે. આયુષ મંત્રાલય અને આરોગ્ય સંશોધન વિભાગમાં મંજૂર ક્ષમતાના અડધાથી વધુ પદો ખાલી છે.

આરટીઆઈ કાર્યકર્તા ચંદ્ર શેખર ગૌરે જણાવ્યું હતું કે, વધતી બેરોજગારીના સમયમાં આંકડા અત્યંત ચિંતાજનક છે. સરકારી નોકરી યુવાનોનો અધિકાર છે અને સરકારે ખાલી પદોને ભરવાની પ્રક્રિયા પ્રાથમિકતાના આધારે મિશન મોડમાં શરૂ કરવી જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક