• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

ફતેપુર ગામની ગૌચર જમીન ઉપર રેતીના ગેરકાયદે સ્ટોકથી હાહાકાર

ડમ્પરોની બેફામ દોડથી ગ્રામજનો પરેશાન, વારંવારની ફરિયાદ છતાં તંત્રની કાર્યવાહી સામે સવાલ

અમરેલી, તા.22 : અમરેલી તાલુકાના ફતેપુર ગામમાં ગેરકાયદે રેતીના સ્ટોક અને ભારે ડમ્પરોની અવરજવરથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગામની સરકારી ગૌચર જમીન પર ગેરકાયદે કબજો કરી અંદાજે પાંચ વીઘા વિસ્તારમાં રેતીના મોટા જથ્થાનો સ્ટોક કરવામાં આવ્યો છે.

ગાયોના ચરિયાણ માટેની સરકારી જમીન પર આ રીતે દબાણ થતું હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ, ગામની શેરીઓ અને બજારમાંથી રેતી ભરેલા ભારે ડમ્પરો પૂરપાટ ઝડપે પસાર થતા હોવાથી અકસ્માતનો ભય પણ ઉભો થયો છે.

ડમ્પરોની અવરજવરથી રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. આ મુદ્દે સ્થાનિક અધિકારીઓથી લઈને ઉચ્ચ કક્ષાએ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો તેમજ ટેલિફોનિક ફરિયાદો કરવામાં આવી છે. ફરિયાદો છતાં નક્કર પગલા ન લેવાતા ગ્રામજનોમાં રોષ વધ્યો છે. ગેરકાયદે રેતીના સ્ટોક દૂર કરી ડમ્પરોની બેફામ અવરજવર રોકવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ આપી છે.

ઇ-પેપરના નવા શુલ્ક