• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

મોરબીના અણિયારી ગામે બાઈક રેસ દરમિયાન સર્જાયો અકસ્માત : વૃદ્ધાનું મૃત્યુ

નંબર પ્લેટ વગરના સ્પોર્ટ્સ બાઈક ચાલકોની બેદરકારીએ લીધો વૃદ્ધાનો ભોગ

 

મોરબી,તા.23: મોરબીના અણિયારી ગામ નજીક હાઇવે પર ધોળા દિવસે નંબર પ્લેટ વગરના બે સ્પોર્ટ્સ બાઈક ચાલકો દ્વારા રેસ લગાવવામાં આવી રહી હતી. આ દરમિયાન યામાહા આર-15 બાઇકના ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા વૃદ્ધાને અડફેટે લીધા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મોરબીના આલાપ રોડ પર ખોડિયારનગરમાં રહેતા અને મૂળ અણિયારી ગામના વતની હર્ષદભાઇ કલ્યાણજીભાઇ બાવરવાએ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના વૃદ્ધ માતા ગીતાબેન કલ્યાણજીભાઇ બાવરવા અણિયારી ગામના બસસ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં ઉભા હતા. તે સમયે અણિયારી ચોકડી તરફથી પૂરપાટ ઝડપે અને નંબર પ્લેટ વગરના બે બાઈક ચાલકો રેસ લગાવીને આવી રહ્યા હતા. તેમાંથી આર-15 યામાહા બાઈકના ચાલકે પોતાનું બેલેન્સ ગુમાવી દેતા ગીતાબેનને જોરશોરથી હડફેટે લીધા હતા અને તેમને દૂર સુધી ઢસડયા હતા. આ ગંભીર અકસ્માતમાં ગીતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું, જેને લઈને પોલીસે આગળની સઘન તપાસ શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક