• બુધવાર, 29 જુલાઈ, 2026

રાજ્યની મનપા-નગરપાલિકાના રસ્તાઓ હવે ડામરને બદલે સિમેન્ટ કોંક્રિટથી બનાવાશે

અમદાવાદ, તા. 28 ચોમાસામાં રસ્તા તૂટવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં એક દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યની તમામ મનપા અને પાલિકાઓના આંતરિક રસ્તાઓને ડામરને બદલે સિમેન્ટ કોંક્રિટથી બનાવવામાં આવશે.

નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે. મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે નિર્ણાયક પગલું ભર્યું છેમાત્ર શહેરો નહીં, પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય, તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ સીસી રોડમાં ફેરવવામાં આવશે. સુવિધાપથ યોજના અંતર્ગત ગામતળમાં સીસી રોડનું કામ હાલમાં પણ ચાલી રહ્યું છે. ઉપરાંત ભારે અને અતિ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સીસી રોડની કામગીરીનો વ્યાપ વધુ વિસ્તારવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ સીસી રોડનો બાંધકામ ખર્ચ 30થી 40 ટકા વધુ હોય છે. તેમ છતાં, મુખ્યમંત્રીએ ખર્ચની ચિંતા કર્યા વિના, પ્રજાને લાંબા ગાળાનો ગુણવત્તાયુક્ત અને ટકાઉ લાભ આપવા પ્રજાહિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓનું માળખું વધુ સુદૃઢ બનશે અને નાગરિકોને લાંબા ગાળાની સુવિધા પ્રાપ્ત થશે

ઇ-પેપરના નવા શુલ્ક