(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 28: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી એફઝેડ 437 ફ્લાઇટ
મારફતે અમદાવાદ આવેલી એક મહિલા મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે અટકાયત કરવામાં આવી
હતી. તપાસ દરમિયાન મહિલા પાસેથી ગેરકાયદે લાવવામાં આવેલું સોનું મળી આવતાં એરપોર્ટ
પર ભારે ચકચાર મચી ગઈ હતી. મહિલા મુસાફરની ઝીણવટભરી અને વિગતવાર તપાસ કરવામાં આવતા
તેના શરીરમાંથી 270 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સ ટીમે જપ્ત કરાયેલી પેસ્ટ
પર પ્રક્રિયા કરીને તેને 24 કેરેટ શુદ્ધતા ધરાવતા ટીટી બારમાં રૂપાંતરિત કરી હતી. આ
પ્રક્રિયા બાદ શુદ્ધ સોનાનું વજન 244.16 ગ્રામ નોંધાયું હતું. જપ્ત કરાયેલા સોનાની
વર્તમાન અંદાજિત બજાર કિંમત 35.84 લાખ રૂપિયા આંકવામાં આવી છે.
ડિરેક્ટોરેટ
ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઇ) અને કસ્ટમ્સ વિભાગે ચોક્કસ માહિતીના આધારે સંયુક્ત
કાર્યવાહી કરીને આ સફળ ઓપરેશન પાર પાડયું હતું. મહિલા મુસાફરે કાયદાથી બચવા માટે પોતાના
શરીરમાં ગોલ્ડ પેસ્ટ સ્વરૂપે સોનું છુપાવ્યું હતું. અધિકારીઓએ ઝીણવટભરી તપાસ કરીને
અંદાજે રૂ. 35 લાખથી પણ વધુ કિંમતનું સોનું શોધી કાઢીને તેને જપ્ત કરી લીધું હતું.
સોનાની ગેરકાયદે હેરાફેરી મામલે કસ્ટમ્સ વિભાગ દ્વારા મહિલા સામે કસ્ટમ્સ એક્ટની વિવિધ
કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.