શેરબજારના
નુકસાનની ભરપાઈ કરવા સંચાલક પિતા-પુત્રોએ જ ઘડયું હતું મોટું કાવતરું : એક વર્ષથી ચાલતું
હતું કૌભાંડ
સુરત,
તા.28: સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા જાણીતા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના અંદાજે
206 તોલા સોનાના દાગીના અને કિંમતી સામાન મળી કુલ રૂ. 2.67 કરોડથી વધુની ચોરીનો ચોંકાવનારો
પર્દાફાશ થયો છે. આ ગંભીર મામલે પોલીસે નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના
બંને પુત્રો હર્ષ અને હરીકૃષ્ણ તેમજ લોકર બ્રેકર મણિલાલની ધરપકડ કરી સઘન તપાસ શરૂ કરી
છે.
પોલીસની
પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે સંચાલક પુત્ર હર્ષને શેરબજારમાં અંદાજે રૂ. 3
કરોડનું મસમોટું નુકસાન ગયું હતું. આ નાણાકીય નુકસાનની ભરપાઈ કરવા માટે પિતા અને પુત્રોએ
એક નિષ્ણાંત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું સોનું પચાવી પાડવાનું પૂર્વઆયોજિત કાવતરું
ઘડયું હતું. આરોપીઓએ ડુપ્લિકેટ ચાવીઓ તૈયાર કરીને છેલ્લા એક વર્ષથી ધીમે-ધીમે લોકરો
તોડીને આ ચોરીને અંજામ આપ્યો હતો.
ડીસીપી
રાઘવ જૈનના જણાવ્યા અનુસાર, સુરત શહેરમાં નક્ષત્ર સેફ હાઉસની ચાર બ્રાન્ચ આવેલી છે
અને કુલ 2500થી વધુ લોકર્સ કાર્યરત છે. હાલ સિંગણપોર બ્રાન્ચમાં 6 લોકર તોડીને આ ચોરી
કર્યાનું સામે આવ્યું છે, પરંતુ આ ઘટનાથી હજારો લોકરધારકોમાં ભારે ભય અને અસુરક્ષાની
લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા તમામ બ્રાન્ચોના સીસીટીવી ફૂટેજ, એન્ટ્રી રજિસ્ટર
અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેથી અન્ય કોઈ ગ્રાહક સાથે છેતરાપિંડી
થઈ છે કે નહીં તેની સત્યતા બહાર આવી શકે.