• બુધવાર, 29 જુલાઈ, 2026

ભાવનગર : મંદિરોમાં ચોરી કરનાર આંતરજિલ્લા ગેંગ ઝડપાઇ

ભાવનાગર, પાલિતાણા, તા.28:ભાવનગર અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો તેમજ માતાજીના મઢને નિશાન બનાવી સોના-ચાંદીના છત્તર અને રોકડની ચોરી કરતી આંતરજિલ્લા રીઢા ચોરોની ટોળકીને પાલીતાણા રૂરલ પોલીસે રૂ. 6,35,000/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 26 જેટલા મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસની ટીમે કુંભણ ગામની ઘોડીઢાળ ચોકડી પાસેથી બાતમીના આધારે દરોડો પાડી શંકાસ્પદ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા હતા.

    પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીઓ ગૂગલ મેપ દ્વારા અવાવરૂ જગ્યાએ આવેલા મંદિરો અને દેરીઓની રેકી કરીને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં મેહુલભાઇ ગણેશભાઇ મકવાણા, અશ્વીનભાઇ અશોકભાઇ મકવાણા, ભરતભાઇ વજેરામભાઇ જાની (ત્રણેય રહે. ભાંખલ, તા.સિહોર) તથા ચોરીનો માલ રાખનાર સોની પ્રત્યક્ષભાઇ હસમુખભાઇ પાટડિયા/સોની (રહે. મણિનગર, અમદાવાદ, મૂળ અંજાર) નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં પોલીસ કર્મચારીઓ આર.બી. કોતર, વિજયભાઈ મેહુરભાઈ તથા ધ્રુવરાજાસિંહ ગોહિલ સહિતની ટીમનો મહત્ત્વનો સહયોગ રહ્યો હતો.

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીનો માલ વેચીને મેળવેલા રોકડ રૂ. 5,20,000/-, રૂ. 60,000ની કિંમતના 2 મોટરસાઇકલ, રૂ. 55,000ની કિંમતના 4 મોબાઇલ ફોન અને કટર તથા આરી પાનું મળી કુલ રૂ. 6,35,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ ભાવનગરના તળાજા, સિહોર, ઘોઘા, ગારિયાધાર, મહુવા, દાઠા, બગદાણા તેમજ અમરેલીના રાજુલા અને મોટા લીલિયા તાલુકાના મંદિરોમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી છે, અને આ સફળ કામગીરીમાં પાલિતાણા રૂરલ પોલીસ સાથે ભાવનગર એલસીબી, ઘોઘા પોલીસ અને ‘નેત્રમ’ શાખાએ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક