• બુધવાર, 15 જુલાઈ, 2026

ભોજશાળામાં નમાઝ ઉપર પ્રતિબંધ યથાવત્

મુસ્લિમ પક્ષકારોની અરજી ઉપર સુપ્રીમમાં સુનાવણીઃ ભોજશાળા નજીક નમાઝ માટે અલાયદી જગ્યા આપવા કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, તા.14 ભોજશાળા કેસમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદા સામે વિવિધ મુસ્લિમ પક્ષકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની પીઠે હાલ માટે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતોહાઈકોર્ટના ચુકાદા પહેલાંની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવાની માગણી પણ સર્વોચ્ચ અદાલતે નકારી દીધી છે. તેથી ભોજશાળા પરિસરમાં નમાઝ પરનો પ્રતિબંધ યથાવત રહેશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ), હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ તેમજ અન્ય હિંદુ પક્ષકારોને પણ નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે, મુસ્લિમ પક્ષને દર શુક્રવારે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન નમાઝ અદા કરવા માટે ભોજશાળાની નજીક અલગ સ્થળ ફાળવવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી હંગામી વ્યવસ્થા લાગુ રહેશે. મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીની રજૂઆત સ્વીકારીને બેન્ચે એએસઆઈને પણ આદેશ આપ્યો હતો કે કોર્ટની પૂર્વ મંજૂરી વિના ભોજશાળા પરિસરમાં કોઈપણ પ્રકારનો માળખાકીય ફેરફાર કરવો નહીં. કોર્ટે જણાવ્યું હતું કે કેસને અંતિમ સુનાવણી માટે ટૂંક સમયમાં સૂચિબદ્ધ કરવામાં આવશે. બેન્ચે સંકેત આપ્યો કે જુલાઈના ત્રીજા સપ્તાહમાં અંતિમ સુનાવણી થઈ શકે છે.

સુપ્રીમનાં મુખ્ય ન્યાયાધીશ(સીજેઆઈ) સૂર્યકાંતે દલીલો પછી કહ્યું હતું કે, અત્યંત સંવેદનશીલ મુદ્દો છે. તેથી ખૂબ વિચારપૂર્વક આગળ વધવાની અને કોઈપણ ટિપ્પણી કરવાની જરૂર છે, નહીં તો લોકોમાં ખોટો સંદેશ જઈ શકે છે અને તેની નકારાત્મક અસર પડી શકે છે. તેમણે કહ્યું કે આગામી 10થી 20 દિવસની અંદર અનુકૂળ તારીખે કેસની અંતિમ સુનાવણી હાથ ધરવી વધુ યોગ્ય રહેશે. ઉલ્લેખનીય છે કે 15 મે, 2026ના રોજ મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે ધાર સ્થિત ઐતિહાસિક ભોજશાળા પરિસરને માતા વાગ્દેવી (સરસ્વતી)નું પ્રાચીન મંદિર જાહેર કરતાં હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક