• બુધવાર, 15 જુલાઈ, 2026

પીઓકેમાં અત્યાચાર ઃ ભારતે કહ્યું, દુનિયાએ પાક.ને જવાબદાર ઠરાવવું જરૂરી

પ્રદર્શનકારીઓ ઉપર ગોળીબારમાં 6 લોકોનાં મૃત્યુ ભારતે આપી તીવ્ર પ્રતિક્રિયા

 

નવીદિલ્હી, તા.14 પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર(પીઓકે)માં તનાવ સતત અને સખત વધી રહ્યો છે. રાવલકોટમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ પ્રદર્શનકારી આમજનતા સામે સશત્ર કાર્યવાહી કરી છે અને ઘર્ષણ દરમિયાન કરેલા ગોળીબારમાં લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.

હવે પીઓકેમાં વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેના પ્રમુખ આસિમ મુનીર વિરુદ્ધ ચાલી રહેલાં વિરોધ પ્રદર્શન મુદ્દે ભારતે પણ પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, પીઓકેમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન ત્યાંના લોકોના વર્ષોથી દબાયેલા આક્રોશનું પરિણામ છે. પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના વિસ્તારમાં રહેતા લોકો દાયકાઓથી શોષણ, મૂળભૂત અધિકારોના અભાવ અને વહીવટી દમનનો સામનો કરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સ્થાનિક લોકોની વાજબી ફરિયાદોનું નિરાકરણ લાવવાને બદલે પાકિસ્તાન સરકારે પોલીસ દ્વારા દમન શરૂ કર્યું છે. વહીવટીતંત્રે નિર્દોષ મહિલાઓ અને બાળકોને નિશાન બનાવ્યા છે, ખોરાક અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓનો પુરવઠો અટકાવી દીધો છે, ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે અને નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબાર કર્યો છે, જેનાં કારણે અનેક લોકોનાં મોત થયા છે. ભારતે વધુમાં કહ્યું કે વિશ્વના અન્ય દેશોએ ગંભીર અત્યાચાર અને ગેરવર્તન માટે પાકિસ્તાનને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવું જોઈએ.

જોઇન્ટ અવામી એક્શન કમિટી (જેએએસી) 15 જુલાઈએ મુઝફ્ફરાબાદ તરફ વિશાળ વિરોધ કૂચ યોજવાની જાહેરાત કરી છે. સમગ્ર વિસ્તારના લોકોને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક