પીઓકેમાં ભભૂકતા જનાક્રોશ વચ્ચે પાક.ને બીજીબાજુથી ઝટકો ઃ રિપબ્લિક અૉફ બલૂચિસ્તાનના નામે સ્વતંત્રતાની જાહેરાત
નવીદિલ્હી,તા.14ઃ ભારત, ભારતની શાંતિ અને સમૃદ્ધિ ઉપર મેલી નજર રાખનારા નાપાક દેશ પાકિસ્તાનનાં પાપ હવે પોકારવા માંડÎા છે. ભારત પાસેથી કાશ્મીર આંચકી લેવાનાં દિવાસ્વપ્નમાં રાચતા પાકિસ્તાન હવે પોતે જ ટુકડા-ટુકડા થવાની કગારે આવી ગયું છે. એકબાજુ પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીર(પીઓકે)માં પાકિસ્તાની શાસનનાં અત્યાચાર સામે રોષનો જ્વાળામુખી ફાટÎો છે તો બીજીબાજુ બલૂચિસ્તાને તો હવે પોતાને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો છે. આવો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક સત્તાવાર નિવેદનમાં કરવામાં આવ્યો છે.
આ નિવેદનમાં રિપબ્લિક અૉફ બલૂચિસ્તાનના નામે સ્વતંત્રતાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે બલૂચિસ્તાનની સેનાએ પ્રદેશના 85 ટકા વિસ્તારમાં નિયંત્રણ મેળવી લીધું છે. સાથે જ નવા રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગીત, નવી ચલણી નોટ અને વહીવટી વ્યવસ્થા લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. નવી સરકાર પાસે બલૂચિસ્તાનના ખનિજ સંસાધનો, ગેસ ક્ષેત્રો અને કોલસાની ખાણો પર સંપૂર્ણ નિયંત્રણ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓના કેટલાક અધિકારીઓએ રાજીનામા આપીને બલૂચિસ્તાનની આઝાદીની લડતમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાનમાં લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ થવાની માંગ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ અનેક વખત મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યા છે અને પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર તથા વડાપ્રધાન શહબાઝ શરીફ વિરુદ્ધ નારા લગાવ્યા છે. જોકે, બલૂચિસ્તાનની સ્વતંત્રતાની આ જાહેરાતની હજુ સુધી કોઈ સત્તાવાર સ્ત્રોત દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય સંગઠન કે સરકારે તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી નથી. આ દરમિયાન બલૂચિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.
બલૂચ વિદ્રોહીઓ અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલા વધારી દીધા છે. પાકિસ્તાનના સંરક્ષણ અધિકારીઓ અનુસાર, છેલ્લા એક અઠવાડિયામાં 105થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી 71 આતંકવાદીઓ 7 જુલાઈથી શરૂ થયેલા ઓપરેશન શાબાન દરમિયાન માર્યા ગયા છે. ઓપરેશન શાબાન ક્વેટા જિલ્લાના શાબાન વિસ્તારમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર્પ્સ (િઈ) અને બલૂચિસ્તાન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.
5 જુલાઈના રોજ શાબાન વિસ્તારના માંગી ડેમ પમ્પિગ સ્ટેશન ખાતે આવેલી પોલીસ ચોકી પર થયેલા આતંકવાદી હુમલામાં 27 પોલીસકર્મીઓના મોત થયા હતા. આ હુમલા બાદ સુરક્ષા દળોએ મોટા પાયે કાર્યવાહી શરૂ કરી હતી. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન અભિયાનમાં ઓછામાં ઓછા સાત વધુ આતંકવાદીઓ માર્યા ગયા, જેના કારણે ઓપરેશન શાબાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓની કુલ સંખ્યા 71 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાન છેલ્લા બે દાયકાથી અશાંતિનો સામનો કરી રહ્યું છે અને તાજેતરના મહિનાઓમાં ત્યાં હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.